ગાંધીનગરના પેથાપુરની લાભ રેસિડેન્શિનાં મેઈન ગેટને તાળું મારવાની તકરારમાં અહીં રહેતી વિધવા મહિલા અને તેની બે દિકરીઓને સોસાયટીના ચાર લોકોએ એકસંપ થઇ લાકડી - ગડદાપાટુનો માર મારવામાં આવતા સમગ્ર મામલો પેથાપુર પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે.
પેથાપુર લાભ રેસીડન્સીમાં રહેતાં વિધવા મહિલા ઈન્ફોસિટી ખાતે સિક્યુરિટીમાં નોકરી કરે છે. ગઈકાલે નોકરીથી છૂટીને બપોરે આશરે સવા ત્રણેક વાગે તેમની દીકરી સાથે એક્ટિવા ઉપર ઘરે આવ્યા હતા. ત્યારે સોસાયટીમાં રોડ બન્યો હોવાથી બધા વાહનો સોસાયટી બહાર પાર્ક કરેલા હતા. જેથી એકટીવા બહાર પાર્ક કરી મા દીકરી સોસાયટીમાં જતાં મુખ્ય ગેટનો દરવાજો લોક મારેલો હતો.
જે મામલે પૂછતાછ કરતાં કોઈએ સરખો જવાબ આપ્યો ન હતો. બાદ બન્ને જણા ઘરે જતા રહ્યા હતા. અને સાંજના પાંચેક વાગે સોસાયટીના કોઇ વ્યકિતને પણ એકટીવા લઇ બહાર જવુ હતું. પરંતુ સોસાયટીમાં તાળુ મારેલ હોવાથી તેઓ પણ બોલવા લાગ્યા હતા. આથી મહિલાએ પણ નીચે જઈને આ તાળુ મારવાથી અગવડ પડતી હોવાની વાત કરી હતી.
આ દરમ્યાન સોસાયટીના સરોજબેન યાદવના પતિ આવીને કહેવા લાગેલા કે સોસાયટીના દરવાજાનું લોક ખુલશે નહિ. આ સોસાયટી તમારા બાપની નથી. તેવુ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી વધુ ઝગડો થાય નહીં તે માટે મહિલા તેમની બંને દીકરીઓ સાથે સેકટર - 7 માં જતાં રહ્યાં હતાં અને રાત્રીના આશરે સવા સાતેક વાગે સરોજબેન તથા તેમના પતિ તથા રારોજબેનના ઉપર રહેતા કોઇ ભાઇ ગંદી ગાળો બોલી ગંદા ઇશારો કરતા હતા. જેથી મા- દીકરીઓ સાથે નીચે ગયા હતા. જ્યાં સરોજબેને મહિલાની દિકરીનો હાથ મચેડી વાળ પકડી નીચે પાડી ગડદાપાટુ નો માર માર્યો હતો. જે બાદ ઉક્ત દંપતીએ વિધવા મહિલાની બીજી દીકરીને પણ માર માર્યો હતો.
એવામાં બી બ્લોકમાં રહેતી મહિલાએ પણ વિધવા મહિલાને મારવાનું શરૂ કર્યું હતું અને સરોજબેન લાકડી લઈ આવી એક દીકરીને ફરી વળ્યા હતા. આમ મામલો વધુ ઉગ્ર બનતા વિધવાની દીકરીએ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવી લીધી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્ત દીકરીઓને સારવાર અર્થે સિવિલ લઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.