માણસાની કોર્ટમાંથી ચેક રિર્ટનનાં કેસમાં વોરંટ રદ કરાવી જામીન મેળવીને મુદ્દતમાં ગેરહાજર રહેનાર દેલવાડાનાં ઈસમ વિરુદ્ધ માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જામીન માટે આરોપીએ કોર્ટ સમક્ષ રજૂ કરેલ રૂ. 20 હજારના બોન્ડનો અનાદર કરીને ટ્રાયલમાં ગેરહાજર રહેનાર આરોપી સામે કોર્ટે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે.
માણસાની પ્રિન્સિપાલ સીવીલ જજ અને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટનાં સુપ્રિટેન્ડેન્ટ પી બી પટેલે માણસા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અત્રેની પ્રિન્સીપાલ સીવીલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં માણસા તાલુકાના દેલવાડા ગામના સંજય રમણભાઈ ચૌહાણ વિરુદ્ધ ગામના જયેશકુમાર ગોરધનભાઈ પટેલે ધી નેગોશીયેબ લે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138 અન્વયે તા.23/2/2018ના રોજ ફરીયાદ દાખલ કરાવી હતી.
જેનાં પગલે આ ફરિયાદ ફોજદારી કેસ નં.300/2018 થી રજીસ્ટરે લેવામાં આવી હતી. જે કેસમાં કેસમાં આરોપી સંજયને સમન્સ બજાવવામાં આવ્યું હતું. જેથી તે તા.11/ 5/2018 ના રોજ વકીલ મારફતે કોર્ટમાં હાજર થયો હતો. અને વોરંટ રદ કરાવી ટ્રાયલ દરધાન હાજર રહેવા માટે રૂ. 20 હજારના જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા લખીને આપ્યું હતું.
તેમ છતાં આરોપી હાજર ન રહેતાં આરોપી સંજય સામે ધરપકડ વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. જે વોરંટનાં આધારે આરોપી સંજયને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ જામીન ઉપર છૂટવા જામીન અરજી મુકી હતી. જે અન્વયે તા. 20/02/2020 ના રોજ આરોપીને રૂ. 10 હજારના જામીન અને તેટલીજ રકમના જાતમુચરકા ઉપર ટ્રાયલમાં નિયમીત પણે હાજર રહેવાની શરતે જામીન પર છોડવામાં આવ્યો હતો.
આમ છતાં પણ આરોપી સંજય કોર્ટ સમક્ષ હાજર રહેતા ન રહેતા સદર કામ તા.26/03/2021 થી વોરંટ ઉપર ચાલે છે. ત્યારે આરોપી સંજયે જામીન ખતમાં બતાવેલ સરનામે પણ મળી આવતો નથી. અને વોરંટની બજવણી પણ થઈ શકતી નથી. આમ આરોપી સંજયે કોર્ટ સમક્ષ તા-16/3/2018 અને તા-20/2/2020 ના રોજ લખી આપેલ જામીનગીરી બોન્ડનો ભંગ કરી કોર્ટ સમક્ષ હાજર રહેતો નથી. જે અન્વયે કોર્ટના હુકમથી માણસા પોલીસ મથકમાં આરોપી સંજય ચૌહાણ વિરુદ્ધ આઈપીસી કલમ 229(એ) ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.