ACBની સફળ ટ્રેપ:દહેગામ નગરપાલિકાનો કરાર આધારિત એન્જિનિયર 4 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સરકારી સહાયની બાકીની રકમનો હપ્તો ફરિયાદીના ખાતામાં જમા કરાવવાની અવેજીમાં રૂ. 4 હજારની લાંચ માંગનાર દહેગામ નગરપાલિકાનાં કરાર આધારિત મ્યુનિસિપલ એન્જિનિયરને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દહેગામ નગર પાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાની છેલ્લા ઘણા સમયથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. નગર પાલિકામાં અમુક ટેબલ પરના અધિકારીને પૈસાનો ભોગ ધરાવવામાં આવે તોજ કામ થતાં હોવાની ચર્ચાઓ વહેતી રહેતી હોય છે. ભૂતકાળમાં પણ દહેગામ નગર પાલિકાના બે કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાયા હતા. ત્યારે વધુ એક કર્મચારી એસીબીના સકંજામાં આવી ગયો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં મકાન બનાવવા માટે સરકાર તરફથી રૂ. 3.50 લાખની સહાય મળતી હોય છે. જે માટે ફરિયાદીની પત્નીએ ત્રણ વર્ષ અગાઉ ફોર્મ ભર્યું હતું. જે અન્વયે સરકાર તરફથી સહાય મંજૂર થઈ હતી. અને ફરિયાદીનાં ખાતામાં હપ્તે હપ્તે રૂ. 2.30 લાખ જમા જમા પણ થઈ ગયા હતા.

જો કે બાકીના રૂ. 1.20 લાખ જમા થવાના બાકી હતા. જે બાકી રકમ મેળવવા માટે ફરિયાદીએ દહેગામ નગર પાલિકાના કરાર આધારિત મ્યુનિસિપલ એંજિનિયર હિરેન રાજેશભાઈ પટેલ( રહે. જયભોલે સોસાયટી, રૂક્ષમણી હોસ્પિટલ સામે, ખોખરા, અમદાવાદ મૂળ રહે.સોજીંત્રા, તા.આણંદ) નો સંપર્ક કર્યો હતો.જે અન્વયે હિરેન પટેલે ફરિયાદી પાસે બાકી રકમ ખાતામાં જમા કરાવવાની અવેજીમાં 4 હજારની લાંચ માંગી હતી. જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેનાં પગલે એસીબી ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ. કે. પરમારના સુપરવિઝન હેઠળ પીઆઈ એસ.સી.શર્મા સહિતની ટીમે મન એવન્યુ કોમ્પલેક્ષની આગળ, સાત ગરનાળા પાસે, ઓડા ગાર્ડનની સામે, દહેગામ ખાતે છટકું ગોઠવીને હિરેન પટેલને લાંચની રકમ લેતાં આબાદ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...