કે. રાજેશ ભ્રષ્ટાચાર કેસ:નજીકના કુટુંબી સુરતની બેંકમાં અધિકારી, રફીક સાથે મળી ઘણા હવાલા પાડ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કે. રાજેશ - ફાઇલ તસવીર - Divya Bhaskar
કે. રાજેશ - ફાઇલ તસવીર

સુરતની મોટી બેંકમાં કે. રાજેશના નિકટનાં સગાં સિનિયર પોઝિશન પર છે. રાજેશ વેપારી રફીક મેમણની સાથે પોતાનાં આ સગાંની મદદથી હવાલા પાડતા હતા, જેથી કાળાં નાણાંનો વ્યવહાર ખુલ્લો ન પડે અને તેમાંનો અમુક હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ફંડમાં દાનપેટે જમા કરાવી તેને સફેદ નાણાંમાં કન્વર્ટ કરવાનો પેંતરો પણ ચાલતો હતો.

રાજેશ મોરબીમાં આસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારે ત્યાંના એક યુવાન હર્ષ અમૃતિયાને પોતાનો વહીવટદાર બનાવી દીધો હતો. હર્ષ ભાજપના જ નેતા સાથે સંબંધ ધરાવે છે અને પછી રાજેશ જોડે હર્ષની નીકટતા એટલી વધી હતી કે રાજેશના સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના નિવાસસ્થાને જ તે સતત પડ્યો પાથર્યો રહેતો અને તમામ વહીવટ પાર પાડતો હતો. ભાજપના એક દિગ્ગજ નેતાના વિશ્વાસુ અને સુરેન્દ્રનગરમાં ભાજપના સ્થાનિક નેતા સાથે મળીને રાજેશે એક રજવાડું ઊભું કર્યું હતું. ગાંધીનગરમાં બેઠેલા નેતા રાજેશ અને સુરેન્દ્રનગરના આ નેતાને માર્ગદર્શન આપે તે રીતે ત્યાં કામ થતું હતું. કરોડો રૂપિયાના વહીવટના ભાગ પડતા હતા, જેમાંથી રાજેશ પોતે પણ મોટો હિસ્સો લેતા હતા.

વિવાદ ન થાય તેથી BJP નેતાઓને સાથે રખાય છે
રાજેશે ભાજપના મોટા નેતાઓ સાથે મળી કામ કરવાની મોડસ ઓપરેન્ડી એટલા માટે અપનાવી કે, આવાં કૌભાંડો જલદી ખૂલે નહીં અને ખૂલે તો આ વગદાર નેતાઓ તેને દબાવી શકે. જોકે રાજેશને માહિતી અધિકારી કાર્યકર્તાઓ, વકીલોનો ડર હતો. આ લોકો આરટીઆઈ હેઠળ માહિતી માગે ત્યારે રાજેશ તેમને રૂબરૂ આવી વાત કરી લેવા સમજાવતા હતા. સૂત્રો જણાવે છે કે વિજય સુમેરા નામના એક અધિકારી સાથે પણ રાજેશને ઘનિષ્ઠતા હતી, જોકે સુમેરાનું નામ હજુ બહાર આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...