તપાસ:સેન્ટ્રલ વિસ્ટા પાસેથી લૂંટાયેલી કાર બાલવા તરફ જતી જોવા મળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાના 48 કલાક પછી પણ કોઇ પરિણામ નહીં

ગાંધીનગરસેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે ગત 4 ડિસેમ્બરના રોજ એક યુવક અને યુવતી કારમાં બેઠા હતા. તે દરમિયાન ચાર બુકાનીધારીએ છરી બતાવી લૂંટ ચલાવી હતી. શહેરની મધ્યમાં બનેલા બનાવથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે આ બનાવને 48 કલાક જેટલો સમય થયો છતા આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી.

જોકે, પોલીસ તપાસ દરમિયાન કાર બાલવા સુધી જોવા મળી રહી છે. પરંતુ આગળ પોલીસ દિશા વિહીન બની ગઇ છે.મળતી માહિતી મુજબ ગત 4 ડિસેમ્બરની અડધી રાત્રે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે કારમાં બેઠેલા યુવકને છરી બતાવી લૂંટી લીધો હતો. યુવક પાસે રહેલો મોબાઇલ અને કારની ચાવી માગી ચાર લુંટારુ ફરાર થઇ ગયા હતા.

આ બનાવને લઇ સેક્ટર 7 પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી લુંંટારુ પકડાયા નથી. પરંતુ આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ઘ રોડથી 5 નંબરના રોડ ઉપર થઇને માણસા તરફ ભાગ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.આરોપી લૂંટ કર્યા પછી ઘ રોડ પકડ્યો હતો,જેમાં ઘ5થી 5 નંબરના રોડ ઉપર નિકળ્યા હતા અને જીઆઇડીસીમાં પ્રવેશ કર્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જીઆઇડીસીમાં રાત્રિના સમયે રોડ રસ્તાના મોટાભાગના પ્રવેશ દ્વાર બંધ રાખવામાં આવે છે.

તેમ છતા આરોપી જીઆઇડીસીથી સીધા માણસા તરફના રોડ ઉપર નીકળી ગયા હતા. પરંતુ એક બાબત સામે આવી હતી કે, જીઆડીસીમાંથી નિકળ્યા પછી આરોપીઓ દ્વારા કારની નંબર પ્લેટ હટાવી દેવામાં આવી હતી. જોકે, આરોપી દ્વારા નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી તો સાથે લઇ ગયા કે ક્યાંક નાખી દીધી તે હજુ સામે આવ્યું નથી. છેલ્લે રાંધેજા ચોકડી સુધી કાર જતી હોય તેવુ સામે આવ્યુ હતુ. જોકે, આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...