ગાંધીનગરના ધણપ હાઇવે રોડ પર આવેલી અંજલી હોટલ પાસેના સાબરમતી ગેસ કંપનીના પંપ ઉપર અચાનક જ એક કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ગેસ પંપ પર જ કારમાં આગ લાગ્યા પછી બ્લાસ્ટ થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે, પંપના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડ ધ્વારા સત્વરે આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.
ગાંધીનગરના ધણપ હાઇવે રોડ પર આજે સવારના સમયે અંજલિ હોટલની નજીક આવેલા સાબરમતી ગેસ કંપનીના પંપ પર એક પછી એક કારમાં ગેસ પૂરવાનું કામ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. ત્યારે એક કાર પણ ગેસ પુરાવા માટે આવી પહોંચી હતી. જેનાં પગલે ગેસ પંપના કર્મચારીએ કારમાં ગેસ પૂર્યો હતો.
કાર સહેજ આગળ વધી જે તરત જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. ગેસના પંપ ઉપર જ સ્પાર્ક સાથે કારમાં આગ લાગતા જ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે કારનો ચાલક પણ ગભરાઈને કારની બહાર નીકળી ગયો હતો. જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.
સતત વાહનોથી ધમધમતા રોડ પર વાહન ચાલકો પણ ગેસ પંપ પર કારમાં લાગેલી આગથી ગભરાઈ ગયા હતા અને ત્યાંથી રવાના થઇ જવાનું જ મુનાસિબ માન્યું હતું. ત્યારે પંપના કર્મચારીઓ તેમજ ગેસ પુરાવા આવેલા વાહનો પણ જેમતેમ કરીને પંપથી દૂર જતાં રહ્યાં હતા. ત્યારે આગ ના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતાં હતા.
આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી તે દરમિયાન પંપના કર્મચારીઓએ પણ ભીષણ આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો શરૂ કરી દીધા હતા. જોકે, ફાયર બ્રિગેડ અને પંપનાં કર્મચારીઓની સમયસરની કાર્યવાહીથી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટનાની જાણ થતાં સાબરમતી ગેસનાં ઉચ્ચ અધિકારી તેમજ કર્મચારીઓ સહિતનો સ્ટાફ પણ તપાસ અર્થે દોડી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે ગેસ પંપ ઉપર જ કારમાં ભીષણ આગ લાગી તે જોતાં જો પંપમાં પણ આગ લાગી હોત તો બહુ મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ રહી હતી. હાલમાં કારમાં આગ લાગવા નું કારણ શોધવા મથામણ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.