આજથી ચારેક દિવસ અગાઉ ગાંધીનગરમાં ડભોડાનાં બંધ મકાનમાં 1.98 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરનાર ઘરફોડ ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવાયો છે. ત્યારે અમદાવાદથી ડભોડા મંદિરે દર્શન કરવા આવેલો ચોર મહિલાને ઘરની ચાવી ખીંટીએ લટકાવતા જોઈ ગયા બાદ એજ ચાવીથી ઘર ખોલીને ચોરીને અંજામ આપ્યા પછી ચાવી લટકાવીને પણ ગયો હતો.
સરદારનગરનાં ચોરને ઝડપી પાડતી એલસીબી
ડભોડા ગામના નવાપૂરામાં રહેતા રાહુલ ઠાકોરનાં બંધ મકાનમાં રૂ. 1.98 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ દાખલ થઇ હતી. જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમે સ્થળની વિઝિટ કરી તપાસનો દોર હાથ ધર્યો હતો. આ દરમિયાન ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પાસેથી પૂર્વ બાતમીના આધારે કાળા કલરના એક્ટિવા સાથે હરીશ પુનમભાઇ મારવાડી(રહે. જી-વોર્ડ, માયા ટોકીઝ પાસે, કુબેરનગર, સરદારનગર)ને ઝડપી લેવામાં આવ્યો હતો.
ડભોડા મંદિરે દર્શન કરવા આવી ચોરીને અંજામ આપ્યો
બાદમાં એક્ટિવાની ડેકી ચેક કરતાં અંદરથી સોનાનું લોકેટ નંગ-1, સોનાની ચેઇન નંગ-1, સોનાની વાળી નંગ-3,ચાંદીના રમજા નંગ-2, ચાંદીનો જુડો નંગ-1,ચાંદીનું મંગળસુત્ર નંગ- કુલ કિ.રૂ. 1 લાખ 45 હજાર 723 નો મુદામાલ મળી આવ્યો હતો. આથી એલસીબીએ હરીશ મારવાડીની પૂછતાંછ કરતાં જાણવા મળ્યું હતું ગત તા. 23 મી જુલાઈનાં રોજ હરીશ ડભોડા મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો. એ વખતે નવાપુરા વાસમાં એક બહેનને ઘર બંધ કરીને બહાર ચાવી મુકતા જોઈ ગયો હતો.
ચોરી કરીને ઘરને તાળું પણ મારતો ગયો
અને મોકો જોઈને એ ચાવી વડે ઘર ખોલીને ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરીને ઘરને તાળું મારી ચાવીને પાછી નિયત જગ્યાએ મૂકીને નાસી ગયો હતો. આથી તેની ઉક્ત ગુનામાં ધરપકડ કરી તેનો ગુનાહિત ઈતિહાસ ચકાસતા હરીશ વિરુદ્ધ નરોડા પોલીસ મથકમાં ઘરફોડ અને વાહન ચોરીના ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.