ગાંધીનગરના માણસા તાલુકાના રીદ્રોલમાં ગઈકાલે રાત્રે ચોરીના ઈરાદે બંધ મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો હતો. રાત્રિ દરમિયાન નિરવ શાંતિ વચ્ચે અચાનક બંધ મકાનમાં અવાજ આવતાં પાડોશીએ બહારથી દરજજો બંધ કરી દીધો હતો. ત્યારે આજે સવારે મકાન માલિકે દરવાજો ખોલતાં જ ચોર ટુટયું વાળીને ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલી હાલતમાં મળી આવતાં તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં છેલ્લા પાંચેક દિવસથી આકરી ઠંડી પડવાથી જન જીવન ખોરવાઈ ગયું છે. દિવસ દરમ્યાન સુસવાટા મારતાં પવન સાથે સાંજ ઢળતાં જ ઠંડી તીવ્ર સ્વરૂપ ધારણ કરી લેય છે. ત્યારે ઠંડીની અસરથી પ્રભાવિત થયેલો ચોર પણ બંધમાં ચોરી કરવાં ઘૂસી ગયેલો અને ઘરમાં જ સૂઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
બનાવની મળતી વિગતો મુજબ અમદાવાદ નાં ઘાટલોડિયા ખાતે પુત્ર સાથે રહેતાં 61 વર્ષીય વિષ્ણુભાઈ મણીભાઈ પટેલ માણસા નાં રીદ્રોલમાં ખેતી કામકાજ કરવાં માટે આવ જા કરતાં રહેતાં હોય છે. જેમનું એક મકાન રીદ્રોલમાં પણ આવેલું છે. ગઈકાલે રાત્રિના સમયે ગામમાં રહેતાં તેમના પિતરાઈ ભાઈ કનુભાઈ પટેલે ફોન કરીને વિષ્ણુ ભાઈને જણાવ્યું હતું કે તમારા ઘરમાંથી અવાજ આવી રહ્યા છે. કોઈ ચોર અંદર ચોરી કરવા માટે ઘુસી ગયો હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે બહારથી દરવાજો બંધ કરી દીધો છે.
આ સાંભળી વિષ્ણુભાઈએ સવારે ગામમાં આવવાનું કહીને મકાનનો દરવાજો બંધ કરી ચોરને પણ અંદર પૂરી રાખવા પિતરાઈભાઈને જણાવ્યું હતું. ત્યારે રાત્રિ દરમ્યાન ચોરે ઘરનો તમામ સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. અને તિજોરીનું તાળું પણ તોડી નાખ્યું હતું. જો કે દરવાજો બહારથી બંધ હોવાથી ચોરને ભાગવાનો રસ્તો મળ્યો ન હતો.
આખરે હારી થાકીને ચોર શિયાળાની આકરી ઠંડીમાં ઘરનાં ઓરડામાં જઈને બેફિકર થઈને સૂઈ ગયો હતો. આજે સવારે વિષ્ણુભાઈ ગામમાં પહોંચી ગયા હતા. અને બધા ભેગા મળીને ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારે ઘરનો સામાન વેરણ છેરણ પડ્યો હતો અને ચોર ઓરડામાં ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. એટલે સુધી કે ચોરને ઘરમાં બધા આવી ગયા હોવાનો પણ અહેસાસ થયો ન હતો.
બાદમાં બધાએ ભેગા મળીને તેને ઉઠાડયો અને મેથીપાક પણ આપ્યો હતો. જેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ વિષ્ણુ ઉર્ફ ગબ્બર પ્રહલાદભાઈ દંતાણી (રહે. બદપૂરા, માણસા) હોવાની કબૂલાત કરી હતી. જેને ગ્રામજનોએ માણસા પોલીસને હવાલે કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.