તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ગાંધીનગર સીટી બસમાંથી પડી જવાથી 58 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત, પુત્રએ ફરિયાદ નોંધાવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાટા ચોકડી પાસે ડ્રાઈવરે ફૂલ સ્પીડમાં ટર્ન મારતાં વૃદ્ધ ચાલુ બસમાંથી પડી ગયા હતા

ગાંધીનગરમાં બેફામ ગતિએ દોડતી યોગી બસના ડ્રાઈવરે ટાટા ચોકડી પાસે પૂરપાટ ઝડપે ટર્ન મારતા બસમાંથી પડી ગયેલા 58 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના માર્ગો પર દોડતી સીટી બસના ચાલકો બેફામ ગતિએ બસ હંકારતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી તેમ છતાં ખાનગી કંપની દ્વારા આ બાબતે કોઈ ઘટતી કાર્યવહી નહીં કરવામાં આવતા એક વૃદ્ધને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શેરથા કસ્તુરી નગરમાં રહેતા વિપુલભાઈ અમરસિંહ ચાવડા ઉવારસદ ખાતે પેટ્રોલ પંપ પર ફરજ બજાવે છે. જ્યારે તેમનાં પિતા અમરસિંહ ચાવડા ઈફકો કસ્તુરીનગર ટાઉનશીપમાં કેન્ટીન ચલાવતા હતા.

ગત તા. 5 મી ઓગસ્ટનાં રોજ અમરસિંહ ચાવડા તેમની બહેનના ઘરે કોલવડા જવા માટે નિકળ્યા હતા. તે વખતે તેઓ યોગી સીટી બસ નંબર (Gj-18-AZ-4831) માં બેઠા હતા. ત્યારે ટાટા ચોકડી પાસે બસના ડ્રાઇવરે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારીને અચાનક વળાંક લીધો હતો. જેનાં કારણે અમરસિંહ ચાલુ બસના પાછળનાં દરવાજાથી નીચે પડી ગયા હતા. તેમ છતાં બસનો ડ્રાઈવર બસ લઈને ભાગી ગયો હતો.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં ગંભીર રીતે ઘાયલ અમરસિંહને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગત. તા. 9 મી ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે તેમની લૌકિક ક્રિયાઓ પૂર્ણ થતાં આજે તેમના પુત્ર વિપુલ ભાઈએ ફરિયાદ આપતાં સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...