આત્મહત્યા:ગાંધીનગરના પેથાપુરના જૈન દેરાસર ખાતેની વસાહતમાં 30 વર્ષીય યુવાને દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા સમયથી લગ્ન નહીં થવાના કારણે માનસિક તણાવમાં યુવક રહેતો હતો

ગાંધીનગરનાં પેથાપુર જૈન દેરાસર ખાતેની વસાહતમાં રહેતા 30 વર્ષીય યુવાને આજે વહેલી દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ત્યારે પોલીસ તપાસમાં યુવકનાં છેલ્લા ઘણા સમયથી લગ્ન નહીં થવાના કારણે માનસિક તાણમાં ભૂતકાળમાં પણ બે ત્રણ વખત યુવકે આપઘાતના પ્રયાસો કર્યા હોવાનું બહાર આવ્યું છે.

પેથાપુર જૈન દેરાસર ખાતેની વસાહતમાં રહેતા અરવિંદભાઈ ભાવસાર છૂટક મજૂરી કામ કરી પોતાના બે દીકરાનું ભરણપોષણ કરે છે. જેમના પત્નીનું પણ અવસાન થઈ ચૂક્યું છે. ત્યારથી તેઓ બે પુત્રો સાથે અત્રે ની વસાહતમાં રહે છે. જેમનો 30 વર્ષીય પુત્ર કુણાલ પણ છૂટક મજૂરી કામ કરતો હતો. પરંતુ ઘણા દિવસોથી તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

સોમવારે રાત્રે કુણાલ તેના મિત્રો સાથે ગયો હતો. અને વહેલી સવારના ઘરે આવ્યો હતો. બાદમાં પિતા સાથે નાસ્તો કર્યા પછી કુણાલ ઉપરના રૂમમાં સૂવા માટે ગયો હતો. ત્યારે દસેક વાગ્યાના અરસામાં અરવિંદ ભાઈ રૂમમાં ગયા હતા. જ્યાં કુણાલને દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલ જોઇને ફસડાઈ પડ્યા હતા. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ અંગે પેથાપુર પોલીસ મથકના જમાદાર કિશનભાઈએ જણાવ્યું હતું કે કુણાલની માતાનું અવસાન થયા પછી ત્રણેય બાપ દીકરા જોડે રહેતા હતા. કુણાલ તેના મિત્રો સાથે રાત્રે ગયો હતો. અને સવારે ઘરે આવ્યો હતો. બંને ભાઈઓનાં લગ્ન થયા નથી. અને કુણાલ ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો. જેનાં કારણે અગાઉ પણ બે ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યો હતો. અને આજે ઘરે એકલતાનો લાભ લઈ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...