નર્સે જીવન ટૂંકાવ્યું:ગાંધીનગર સિવિલની 24 વર્ષીય સ્ટાફ નર્સે ગળાફાંસો ખાઈ જીવન લીલા સંકેલી, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ અમરેલીની વતની નર્સ સેકટર -7 માં ભાડાના મકાનમાં રહેતી હતી

ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની વધુ એક સ્ટાફ નર્સે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. હમણાં થોડા વખત પહેલાં જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ નવમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધાની ઘટનાની શાહી સુકાઈ નથી. એવામાં 24 વર્ષીય સ્ટાફ નર્સે પણ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ નો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગર GMER મેડિકલ કોલેજનાં ડોકટર, સ્ટાફ નર્સ તેમજ તાજેતરમાં જ ભાવિ તબીબ યુવતીએ આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. થોડા દિવસો અગાઉ ગર્લ્સ હોસ્ટેલના નવમા માળેથી ભણતરનો ભાર સહન નહીં થતાં યુવતીએ પડતું મૂકીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં ફરીવાર GMERS મેડિકલ કોલેજમાં કોન્ટ્રાક્ટ ઉપર સ્ટાફ નર્સ તરીકે કામ કરતી 24 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.

આ અંગે સેકટર - 7 પોલીસના જણાવ્યા અનુસાર મૂળ અમરેલીની ક્રિશા રમેશભાઈ દાકડા ઓક્ટોબર મહિનામાં જ ગાંધીનગર GMERS મેડિકલ કોલેજમાં સ્ટાફ નર્સ તરીકે જોડાઈ હતી. જેનો પરિવાર વતનમાં રહે છે અને 24 વર્ષીય ક્રિશા સેકટર-7/બી પ્લોટ નંબર 628/2માં ભાડેથી રહેતી હતી. આજે બપોરના સમયે કોઈ કારણોસર ક્રિશાએ દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેનાં પગલે હાલમાં તેના પરિવારજનોને સંદેશો મોકલીને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે.

હાલમાં ક્રિશાએ કયાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમજ તેના સામાનની પણ તલાશી લેવામાં આવી રહી છે. ઉપરાંત તેના નજીકના મિત્ર વર્તુળને પણ બોલાવી પૂછતાછ કરવામાં આવી રહી છે, પરંતુ હજી તેના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. મૃતકના પરિવારજનો આવે તે પછી આપઘાતનું કારણ જાણવા માટે સેકટર - 7 પોલીસ મથકના એએસઆઇ દિલીપસિંહ દ્વારા પૂછતાંછ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...