બેદરકારી:ગાંધીનગરના બાળ સુરક્ષા ગૃહમાંથી 16 વર્ષીય કિશોર સંસ્થાની દિવાલ કૂદીને નાશી ગયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરિટી ગાર્ડ ગેટ બંધ કરવા ગયો જેનો કિશોરે ફાયદો ઉઠાવ્યો
  • બાળ સુરક્ષા ગૃહમાં 6 વર્ષથી 18 વર્ષ સુધીના 22 બાળકો આશ્રય મેળવી રહ્યા છે

ગાંધીનગરના સેક્ટર- 17 માં આવેલા બાળ સુરક્ષા ગૃહની દિવાલ કૂદીને 16 વર્ષીય કિશોર નાસી જતાં સંસ્થાના કર્મચારીઓમાં દોડધામ મચી હતી. ઘણી શોધખોળ કરવા છતાં કિશોરનો ક્યાંય પત્તો ન લાગતા બાળ સુરક્ષા ગૃહના અધિક્ષક દ્વારા સેક્ટર 21 પોલીસ મથકના દ્વાર ખખડાવી ગુમ કિશોરીને શોધી લાવવા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. બાળ સુરક્ષા ગૃહમાં બાળકોની કાળજી અને રક્ષણ અધિનિયમ 2015 હેઠળ સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા 6 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો આશ્રય મેળવે છે. હાલમાં 22 બાળકો સંસ્થામાં આશ્રય મેળવી રહ્યા છે.

આશ્રિત બાળકો ટીવી જોઈ રહ્યા હતા તે દરમિયાન કિશોર ફરાર થયો

જે પૈકીના 16 બાળકોને ગત તા. 02/09/2021 ના રોજ બાવળા તાલુકાના શિયાળ ખાતેના બાળ સુરક્ષા ગૃહમાંથી ગાંધીનગર શિફ્ટ કરવામાં આવ્યાં છે. ત્યારે ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ આઠ થી નવ વાગ્યા દરમિયાન આશ્રિત બાળકો એકઠા થઈને ટીવી જોઈ રહ્યા હતા. એ વખતે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ બાળ સુરક્ષા ગૃહના દરવાજાને લોક મારવા માટે ગયા હતા. જેનો ફાયદો ઉઠાવી 16 વર્ષ અને 5 મહિનાની ઉંમર ધરાવતો કિશોર બાળ ગાયબ થઈ ગયો હતો. ત્યારે દરવાજાને લોક મારીને પરત ફરેલા સિક્યુરિટી ગાર્ડને એક કિશોર ઓછો હોવાની જાણ થતાં તેમણે સંસ્થામાં તપાસ કરી હતી. પરંતુ કિશોર મળી ન આવતા તેણે કચેરી અધિક્ષક મેહુલભાઈ તેરૈયાને જાણ કરી હતી.

પોલીસે કિશોરને શોધી કાઢવા કવાયત શરૂ કરી

જેનાં પગલે મેહુલભાઈ સહિતના અન્ય કર્મચારીઓ પણ બાળ સુરક્ષા ગૃહ દોડી આવ્યાં હતા. જેમણે સંસ્થાના CCTV ફુટેજ ચેક કરતા કિશોર આશરે નવેક વાગ્યાના અરસામાં દિવાલ કૂદીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં તેઓએ કિશોરને શોધવા માટે આસપાસના વિસ્તારો સહિત ગાંધીનગરમાં દોડધામ કરી મુકી હતી. કલાકો સુધી ગાંધીનગરમાં શોધખોળ કરવા છતાં કિશોર નહીં મળતા વિભાગમાં જાણ કરવામાં આવી હતી. આખરે કિશોરનો ક્યાંય પત્તો ન લાગતાં બાળ સુરક્ષા ગૃહના અધિક્ષક મેહુલભાઈ સેક્ટર 21 પોલીસ મથકના પીઆઈ મનોજ ભરવાડ પાસે દોડી ગયા હતા. પોલીસે આઇપીસી કલમ 363 હેઠળ ગુનો નોંધી ફરાર કિશોરને શોધી કાઢવા માટે કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...