નાગરિકો અને પશુ-પક્ષીઓના જીવ સામે જોખમ ઉભી કરતી ચાઈનીઝ દોરી સામે પ્રતિબંધ મુકાયેલા છે. આમ છતાં થોડા પૈસાની લહાયમાં લોકોના જીવ લઈ લેતી ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં કેટલાક લોકો ખચકાતા નથી. ત્યારે ગાંધીનગર શહેર અને તાલુકામાં પોલીસે સપાટો બોલાવતા 7 સ્થળેથી ચાઈનીઝ દોરીની કુલ 99 રીલ જપ્ત કરીને 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. એલસીબી-1 દ્વારા ગાંધીનગર તાલુકાના વિરાતલાવડી ઈન્દિરાનગર ખાતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે અહીંથી અનીલ બાબુજી ઠાકોર (29 વર્ષ)ને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી ચાઈનીઝ દોરીની 1500ની કિંમતની 5 રીલ મળી હતી. આરોપી એક મહિના પહેલાં બોરીયા ગામે રહેતાં મીત્ર ભરત ઠાકોર પાસેથી 60 રીલ લાવ્યો હતો.
જેમાંથી આરોપીએ 55 રીલ વેચી મારી હતી, જ્યારે પાંચ બાકી હતી ત્યારે તે પોલીસના હાથે ઝડપાયો હતો. સેક્ટર-21 પોલીસે સેક્ટર-28 પ્રેસ સર્કલ નજીક આવેલા છાપરામાં રેડ કરી હતી. જેમાં 10,500ની કિંમતની ચાઈનીઝ દોરીની 35 રીલ મળી આવી હતી. જેથી પોલીસે ગીતાબેન શંકરભાઈ દંતાણી (50 વર્ષ) સામે ગુનો નોંધ્યો હતો. આ તરફ પેથાપુર પોલીસે કોલવડા પગીવાસમાં રહેતાં ભરત કાંતિજી ઠાકોર (43 વર્ષ)ને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી 2800ની કિંમતની 14 રીલ મળી આવી હતી.
બીજી તરફ પેથાપુર પોલીસ પેથાપુરના તરપોજવાસ રોડ પરથી રણજીત વિનુભાઈ દંતાણી (27 વર્ષ)ને ચાઈનીઝ દોરીની 300ની કિંમતની 1 ફીરકી સાથે ઝડપી પાડ્યો હતો. ડભોડા પોલીસે વડોદરા ગામ ચરામાથી અજય ગોવિંદભાઈ દંતાણી (26 વર્ષ)ને ચાઈનીઝ દોરીની 900ની કિંમતની 3 રીલ સાથે ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પોલીસે ડભોડાના દરબારવાસ બ્રહ્માણી માતા મંદિર પાસે 9800ની કિંમતની 36 રીલ સાથે વિષ્ણુબેન કેશાજી બિહોલાને (55 વર્ષ)ને ઝડપી પાડ્યા હતા. અડાલજ સ્કૂલ બેગમાં ચાઈનીઝ દોરીની પાંચ રીલ 1000ની કિંમતની લઈને ઉભેલા જગદીશ શકરાભાઈ પ્રજાપતિ (41 વર્ષ, રહે-અડાલજ મુખીવાસ)ને પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.