ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી બેઠકમાં વર્ષ 2023-24 નું રૂ. 949.90 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ત્યારે સભામાં સ્ટેન્ડીંગ ચેરમેને મહાભારતના સંદર્ભો અને શાયરીઓ સાથે બજેટને લોકોપયોગી હોવાનું કહેતા મેયરને બજેટ પૂરતી જ ચર્ચા કરવા ટકોર કરવાની ફરજ પડી હતી. જ્યારે વિપક્ષ નેતાએ વર્ષમાં 200 વખત ઘ-4 અંડરપાસ રીપેર થયો હોવાનો વિપક્ષે ટોણો મારીને ગાંધીનગરની પ્રજા સાથે છેતરપીંડી કરાઈ રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સભામાં વર્ષ 2023-24 માટે રૂ.949.90કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બજેટમાં રાજ્યમાં પ્રથમ વખત વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમ આ બંને પોલિસીનો અમલ ગાંધીનગર મનપા દ્વારા થશે. તેમજ મેયર હિતેષભાઈ મકવાણાએ સ્માર્ટ આંગણવાડી, મોબાઈલ સ્કૂલ, મોબાઈલ લેબોરેટરી તથા દિવ્યાંગો માટે વિશેષ જોગવાઈનો ઉલ્લેખ કરતાં આ બજેટને ઐતિહાસિક અને નવો ચીલો ચાતરનારું ગણાવ્યું હતું.
બીજી તરફ સભાના પ્રારંભે સ્ટેન્ડિંગ ચેરમેન જશવંતભાઈ પટેલે મહાભારતના સંદર્ભો અને શાયરીઓ સાથે બજેટને લોકોપયોગી ઠરાવ્યું હતું. બાદમાં ભાજપના સભ્યોએ બજેટની પ્રશંસા કરી હતી. આજની સામાન્ય સભામાં ભાજપના હેમાબેન ભટ્ટ, રાકેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સોનાલીબેન પટેલ અને ભરત દિક્ષીતને બોલવાની તક અપાઈ હતી.
ત્યારે અતિ ઉત્સાહમાં આવી ગયેલા મહેન્દ્રભાઈ પટેલે કોંગ્રેસની સ્થાપનાથી માંડીને વર્તમાનમાં ભારત-ચીનના સંબંધો અને ભારત જોડો યાત્રા સુધીની વાતો વાગોળી હતી. જેથી ભાજપના સભ્યોએ વચ્ચે વચ્ચે પાટલી થપથપાવી પ્રવચન ટૂંકાવવા મહેન્દ્રભાઈને ઈશારો કર્યો હતો. આમ મહાભારતનાં સંદર્ભ, શાયરી તેમજ ભારત - ચીનના સંબંધોની વાતોથી સભાના અધ્યક્ષ પદેથી મેયર હિતેષભાઈ મકવાણાએ અવાર-નવાર બજેટ પૂરતી જ ચર્ચા કરવા ટકોર કરવાની ફરજ પડી હતી.
તો કોંગ્રેસના વિપક્ષ નેતા અંકિતભાઈ બારોટે શાસક પક્ષ પર કટાક્ષ કરીને સ્ટેન્ડીંગ ચેરમેનને મહાભારતના અર્જુન સાથે સરખાવી કહ્યું હતું કે, અર્જુનને સત્ય માટે પોતાના લોકો સામે હથિયાર ઊઠાવવા પડ્યા હતા. ગાંધીનગર કોર્પોરેશન પાસે મિશન અને વિઝન છે, પરંતુ ગોલ એચિવ થતાં નથી. ઘરની બહાર નીકળતાં કૂતરું કરડે, પગ મૂકતા કાદવ આવે તેવી સમસ્યાઓ દૂર કરવા ધ્યાન આપવું જોઈએ.
ઉપરાંત વધુમાં તેમણે કહ્યું હતું કે, પેરીફરી વિસ્તારો માટે મનપા દ્વારા ગત વર્ષે રૂ.640 લાખની ફાળવણી થઈ હતી, પરંતુ તેમાંથી માત્ર 102 લાખ જ ખર્ચાયા હતા.આયોજન મુજબ વિકાસ કાર્યો હાથ ધરવા ટકોર કરી તેમણે બે વર્ષમાં 200 વખત ઘ-4 અંડરપાસ રીપેર થયા હોવાનો ટોણો પણ માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.