દહેગામનાં કડજોદરા ગામથી દેવકરણના મુવાડા તરફ જતા રોડ ઉપરથી પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને સફેદ કલરની ટાટા હેરીયર ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 802 બોટલો તેમજ 144 બિયરનાં જથ્થા સાથે કુલ રૂ. 8.16 લાખનો મુદામાલ જપ્ત કરી બે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દહેગામ પોલીસ મથકની હદ વિસ્તારમાં થતી વિદેશી દારૂની હેરફેર તેમજ મિલ્કત સંબંધી બનતાં ગુનાઓ ઉપર અંકુશ મેળવવા માટે સેકન્ડ પીઆઈ પી જે ચુડાસમા સહીતની ટીમ ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, કડજોદરા ગામથી દેવકરણના મુવાડા તરફ જતા રોડ ઉપર સફેદ કલરની ટાટા હેરીયર ગાડીમાં વિદેશી દારૃના જથ્થાની હેરફેર થવાની છે.
જે અન્વયે પોલીસ ટીમે વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે ઘણીવાર સુધી કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબની સફેદ કલરની ટાટા હેરીયર કારને (GJ01WG 7213) ને કોર્ડન કરીને બે ઈસમો સાથે ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે પોલીસે બંનેની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ મહેશ નટવર કલુસવા (રહે. બાલીદીયાંગાવ, ડુંગરપુર ) તેમજ સતીષ પ્રભુલાલ તવીયાડ(રહે. ગેડગાવ, ડુંગરપુર) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 802 બોટલો તેમજ બિયરની 144 બોટલો મળીને કુલ રૂ. 1 લાખ 8 હજારનો દારૃ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે બંનેની ધરપકડ કરી કાર સહિત કુલ રૂ. 8.16 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.