ગ્રામ પંચાયતોમાં વીજળી મફતમાં પડે તે માટે 15મા નાણાપંચમાંથી રૂપિયા 149.48 લાખના ખર્ચે જિલ્લાની 91 ગ્રામ પંચાયોતને સોલાર રૂફટોપથી ઝળહળતી કરવામાં આવશે. તેમાં 3 કેબી વીજળી ઉત્પન્ન કરતી સોલાર રૂફટોપ સિસ્ટમ ફિટ કરાશે.
દેશના વડાપ્રધાને સોલાર વીજળીનો ઉપયોગ કરીને વીજળીનો ખર્ચ બચાવવા લોકોને અપીલ કરી છે ત્યારે લોકોને સોલાર રૂફટોપ યોજનાનો લાભ મળી રહે તે માટે 15મા નાણાપંચમાંથી કરવાના થતાં વિકાસલક્ષી કામોમાં સોલાર રૂફટોપ યોજનાનો સમાવેશ કર્યો છે.
જોકે તેના માટે જિલ્લા અને તાલુકા પંચાયત માટે અલગ અલગ જોગવાઇ કરવામાં આવી છે. તેમાં જિલ્લા પંચાયતની નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખથી વધુના ખર્ચ માટે સોલાર રૂફટોપ યોજના મુકવામાં આવી છે. તાલુકા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખથી ઓછા ખર્ચની જોગવાઇ કરાઇ છે.
ત્યારે જિલ્લાની 91 ગ્રામ પંચાયતોને સોલાર રૂફટોપ યોજનાથી સજ્જ કરવામાં આવશે. સોલાર રૂફટોપ યોજના માટે જિલ્લાની 80 ગ્રામ પંચાયતોમાં તાલુકાકક્ષાના 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 94.88 લાખનો ખર્ચ કરવામાં આવશે.
જ્યારે 11 ગ્રામ પંચાયતોમાં જિલ્લાકક્ષાની ગ્રાન્ટમાંથી રૂપિયા 54.60 લાખનો ખર્ચ કરવામાં આવશે. જોકે રૂફટોપ યોજના માટે નિયત કરેલી એજન્સીઓને ફિટીંગ સહિતની કામગીરી કરાવવા માટે ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.
જોકે સોલાર રૂફટોપ યોજના માટે દરેક ગ્રામ પંચાયતોમાં 3 કે.બી. વીજળીનું ઉત્પાદન થાય તેવી રૂફટોપ સોલાર પેનલ ફીટ કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયતનાં સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોલાર રૂફ ટોપ માટે પ્રાયોગિક ધોરણે ગાંધીનગરને પસંદ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.