રોગચાળો:જિલ્લામાં 3 મહિનામાં ડેન્ગ્યુના 905 કેસ નોંધાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર્દીઓમાં હેમરેજિક સિન્ડ્રોમ, માયોકાર્ડિયાટીસ અને શોક સિન્ડ્રોમનું પ્રમાણ બમણું જોવા મળ્યું

આ વર્ષે ડેન્ગ્યુના દર્દીઓમાં હેમરેજીક સિન્ડ્રોમ, માયો કાર્ડિયાટીસ અને શોક સિન્ડ્રોમનું પ્રમાણ બમણું જોવા મળ્યું હોવાનું નિષ્ણાંત તબિબોએ જણાવ્યું છે. જોકે છેલ્લા ત્રણ માસમાં જિલ્લામાં ડેન્ગ્યુના 905 કેસ નોંધાયા છે. જોકે ડેન્ગ્યુ વકરવાની પાછળ પ્રિકોશનની કોઇ જ કામગીરી ન કરાતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે.

3 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદ સારો પડતાં ખેડૂતો સહિતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વરસાદ સારો પડવાની સાથે સાથે વાહકજન્ય રોગચાળો વકરે નહી તે માટે પ્રિકોશનના કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. જેને પરિણામે છેલ્લા ત્રણ માસમાં જિલ્લામાં ડેન્ગ્યુના 905 કેસ નોંધાયા છે.

જોકે ડેન્ગ્યુના કેસમાં કોઇ ફેરફાર છે કે નહી તેમ પુછતા નિષ્ણાંત તબિબોએ ચિંતાજનક સ્થિતિ વ્યક્ત કરી હતી. તેમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસમાં હેમરેજીક સિન્ડ્રોમ, માયો કાર્ડિયાટીસ અને શોક સિન્ડ્રોમનું પ્રમાણ બમણું જોવા મળ્યું છે. જોકે દર વર્ષે ડેન્ગ્યુની બિમારીમાં આ લક્ષણો દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું રહેતું હોવાનું ડૉ. દિનકર ગોસ્વામીએ જણાવ્યું છે. જોકે ડેન્ગ્યુની બીમારીમાં આવી સ્થિતિ થવા પાછળ એન્ટીલાવરની નબળી કામગીરી જવાબદાર હોવાનું નિષ્ણાંત તબીબોએ જણાવ્યું છે.

ડેન્ગ્યુમાં અલગ અલગ બિમારીના લક્ષણો શું છે
ડેન્ગ્યુની બિમારીમાં શોક સિન્ડ્રોમમાં દર્દીનું બ્લડપ્રેશર ઘટી જાય છે. માયો કાર્ડિયાટીસમાં વાયરસની અસરથી હૃદયના ધબકારા ઘટી જાય કે અનિયમિત થઇ જાય છે. જ્યારે ડેન્ગ્યુ હેમરેજીકમાં પ્લેટલેટ ઘટી જવાથી મોઢા, દાંત, પેશાબ અને ગુદામાંથી લોહી પડે છે. ઉપરાંત ડેન્ગ્યુની મગજ ઉપર અસર થવાથી બેભાન, ખેંચ દર્દીને આવતી હોવાનું ડો. દિનકર ગોસ્વામીએ જણાવ્યું છે.

આરોગ્ય કર્મચારીઓની હડતાળ કારણભૂત
ચાલુ વર્ષે આરોગ્ય કર્મચારીઓની 56 દિવસની હડતાલ ચાલી હતી. જેને પરિણામે ડોર ટુ ડોર સર્વેલન્સ તેમજ પોરાનાશકની કામગીરી પણ અટકી પડી હતી. આથી ડેન્ગ્યુના લારવા નાશ નહી થવાથી તે મચ્છર બનતા ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો હોવાનું નિષ્ણાંત તબિબોએ જણાવ્યું છે.

જિલ્લાના ડેન્ગ્યુના કેસની વિગતો
જિલ્લામાં ડેન્ગ્યુના 905 કેસ છેલ્લા ત્રણ માસમાં નોંધાયા છે. તેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયેલા 80 કેસમાં ગાંધીનગર તાલુકામાંથી 37, દહેગામમાંથી 9, કલોલમાંથી 7 અને માણસામાંથી 9 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસમાં ડેન્ગ્યુના 835 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

આ વર્ષે ડેન્ગ્યુથી મોત થવાના કેસોમાં થયેલો ચિંતાજનક વધારો
જિલ્લાના તબિબોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ડેન્ગ્યુથી દર્દીઓના મોતનો આંકડો ઉંચો રહ્યો હતો. જોકે સરકારી, અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં દાખલ ડેન્ગ્યુના દર્દીઓમાં મોત વધારે થયા હોવાનું નિષ્ણાંત તબિબોએ જણાવ્યું છે. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુથી મોતનો આંકડો આપવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...