તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડામાર તૈયારી:ગાંધીનગરના મહાત્મા મંદિરમાં બની રહી છે 900 બેડની કોવિડ હોસ્પિટલ, ત્રણ શિફ્ટમાં 3 ફાયર મેન અને 1 ઓફિસર રાઉન્ડ ધી ક્લોક તૈનાત રહેશે

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • DRDO દ્વારા મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની તડામાર તૈયારીઓ શરૂ
  • મહાત્મા મંદિરનાં એક્ઝિબિશન હોલ 1-2-3માં કોવિડ હોસ્પિટલ બનશે

ગાંધીનગર નાં મહાત્મા મંદિર નાં એક્ઝિબિશન હોલ નંબર એક, બે અને ત્રણ તેમજ ફોટો ગેલેરી એરિયામાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં ત્રણ શિફ્ટમાં ત્રણ ફાયર મેન તેમજ એક ફાયર ઓફિસર રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે. હાલમાં DRD દ્વારા મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરના જગ વિખ્યાત મહાત્મા મંદિર ખાતે 900 બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરવા DRD દ્વારા કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલના ઉદ્દધાટન સમયે એવી જાહેરાત કરી હતી કે ગાંધીનગરના હેલિપેડ પર 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે. પરંતુ હવે આ હોસ્પિટલનું સ્થળ બદલીને મહાત્મા મંદિર કે જ્યાં વાયબ્રન્ટ સમિટ થાય છે તે સ્થળે 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

DRD દ્વારા મહાત્મા મંદિરના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આઇસીયુ બેડ સહિત કુલ 900 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે માટે અત્રે ઓક્સિજન પુરવઠા માટેની વિશાળ પાઈપ લાઈન પણ બિછાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દઈ બેડ પણ લાવી દેવામાં આવ્યા છે.

એક્ઝિબિશન હોલ 1,2,3 અને ફોટો ગેલેરીમાં હોસ્પિટલ શરૂ થશે

DRDO, ગરુડ તેમજ ટાટા ટ્રસ્ટના આર્થિક સહયોગ થી મહાત્મા મંદિરના એક્ઝિબિશન હોલ એક, બે અને ત્રણ મળી બે મોટા અને એક નાના એક્ઝિબિશન હોલમાં હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. તે સિવાય વેન્ટિલેટર તેમજ ઓક્સિજન વાળા બેડ માટે ફોટો ગેલેરી પર પસંદગી ઉતારવામાં આવી હોવાના અહેવાલો મળી આવ્યા છે. જેમાં ગેટ નંબર 6 પાસે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ફાયર સેફ્ટીના વધુ સાધનો પણ લગાવવામાં આવશે

મહાત્મા મંદિરમાં છાશવારે મોટા સરકારી કાર્યક્રમ થતાં રહેતા હોવાથી અહીં પહેલેથી જ હાઈટેક ઈકવીપમેન્ટ સાથેની ફાયર સિસ્ટમ કાર્યરત છે. જેમાં અગાઉથી જ ફાયર ઓફિસર તેમજ ફાયર મેન ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જ્યારે હવે કોવિડ હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે આગની ઘટનાનાં બનાવો જે રીતે પ્રકાશમાં આવ્યા છે. તે જોતાં અહીં વિશેષ પ્રકારે ફાયર સેફ્ટીની સુવિધાને અગ્રિમતા આપવામાં આવી છે. એક્ઝિબિશન હોલમાં બનનાર કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના ને તુરંત પહોંચી વળવા માટે એક ફાયર ઓફિસર તેમજ ત્રણ ફાયર મેન તૈનાત રહેશે. આ ઉપરાંત એડિશનલ ફાયર એસ્ટિંગ્યુઝર તેમજ વોટર મિસ્ટ ટ્રોલી ની પણ સુવિધા ઉભી કરવામાં આવનાર છે.

વોટર મિસ્ટ ટ્રોલી 150 લીટર પાણીની ક્ષમતા વાળી હશે

મહાત્મા મંદિરે ટૂંક સમયમાં કાર્યરત થનાર કોવિડ હોસ્પિટલમાં 150 લીટર પાણીની ક્ષમતા સાથેની વોટર મિસ્ટ ટ્રોલીઓ પણ મૂકવામાં આવશે. જેમાં આશરે 30 થી 35 મીટર લાંબી પાઈપ જોડેલી હોય છે. જેથી આગની ઘટના બને તો હાજર કર્મચારી ઓ જ આ વોટર મિસ્ટ ટ્રોલી મારફતે આગ પર કાબુ મેળવી લેશે. તે સિવાય તૈનાત ફાયર ઓફિસર તેમજ ફાયર મેન પણ તાત્કાલિક આગ પર કાબુ મેળવવા ની કામગીરી કરવા લાગશે.

ફાયર સેફ્ટીનું સઘન ચેકીંગ કર્યા પછી ફાયર એનઓસી આપવામાં આવશે

મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી ફાયર સિસ્ટમ ના સાધનો જરૂરિયાત મુજબ લાગી જશે પછી ફાયર બ્રિગેડ ધ્વારા તેનું બારીકાઈ થી નિરીક્ષણ કરવામાં આવશે. અને જો કોઈ ત્રુટિ નહીં મળી આવે તે પછી જ ફાયર NOC આપવામાં આવશે. ફાયર બ્રિગેડ ધ્વારા મહાત્મા મંદિર માં લાગેલા ફાયર ના સાધનો તેમજ હાલમાં કાર્યરત અત્યાધુનિક ફાયર સિસ્ટમનું છાશવારે ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે.

હેલીપેડ એક્ઝિબિશનમાં ડ્રેનેજ અને AC સહિતની ત્રૂટિઓ મળી આવતા રાતોરાત સ્થળ બદલાયું

અમિત શાહે જાહેરાત કરી હતી કે ગાંધીનગરમાં સેક્ટર-17ના જૂના હેલિપેડ ગ્રાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે પરંતુ હવે સ્થળ બદલીને મહાત્મા મંદિર રાખવામાં આવ્યું છે. અગાઉની જગ્યાએ હોસ્પિટલના નિર્માણમાં સમયનો વ્યય વધારે થાય તેવો હતો કેમ કે અહીં ગટર સહિતની સુવિધાનો અભાવ હોવાનું સ્થળ તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું. હેલીપેડ એક્ઝિબિશનમાં ડ્રેનેજ અને AC સહિતની ત્રુટિઓ જણાઈ આવતાં રાતોરાત મહાત્મા મંદિર ની પસંદગી કરવામાં આવી હતી.

અમિત શાહની જાહેરાત પછી જૂના હેલીપેડ ગ્રાઉન્ડ કે જ્યાં એક્ઝિબિશનના ડોમ બનાવવામાં આવેલા છે ત્યાં સફાઇ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યાએ ખર્ચ અને સમય વધી શકે તેમ હોવાથી તૈયાર મહાત્મા મંદિરમાં હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મહાત્મા મંદિરમાં અત્યાર સુધી મોટા-મોટા સેમિનાર રોજ થતા હતા, પરંતુ પહેલીવાર આ રીતે કોઈ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે હાલમાં મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે પરંતુ તેમાં નાના મોટા ફેરફાર કરવામાં આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...