તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:કૉલેરાગ્રસ્ત કલોલ પૂર્વમાં ઝાડા-ઊલટીના વધુ 17 કેસ 9 વર્ષની બાળકીના મૃત્યુ સાથે 5 દિવસમાં ચોથું મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 સોસાયટીએ 15 દિવસમાં 7થી વધુ ફરિયાદ કરી હતી છતાં પાલિકાનું તંત્ર કુંભકર્ણ જેમ ઘોરી રહ્યું હતું
  • 3 બાળક સહિત 4 જણા મૃત્યુ પામ્યા પછી જાગેલી પાલિકા ORSનાં પૅકેટ વહેંચી રહી છે પણ હજી સુધી લીકેજ શોધી શકી નથી

કલોલ નગરપાલિકાની બેદરકારીને કારણે પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીને કારણે ફેલાયેલા કોલેરાના રોગચાળામાં મંગળવારે વધુ એક મૃત્યુ થયું હતું. 9 વર્ષની બાળકીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. મંગળવારે વધુ 17 કેસ પણ નોંધાયા હતા. આ વિસ્તારમાં 15 દિવસથી દૂષિત પાણી આવતું હોવાની 6 જેટલી સોસાયટીએ 15 દિવસમાં 7થી વધુ વખત લેખિત રજૂઆતો કરી હતી છતાં પાલિકા કુંભકર્ણની જેમ ઘોરતી હતી અને જ્યારે 3 બાળક સહિત 4 જણાએ જીવ ખોયો ત્યારે પાલિકા દોડધામ કરી રહી છે. જોકે હજી લીકેજ પણ શોધી શકી નથી.

કલોલમાં મંગળવારે ઝાડા-ઊલટીના વધુ 17 કેસ નોંધાયા હતા, જેમાં કોઠીવાળી ચાલી તથા લવારવાસ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે તેમજ પૂર્વ વિસ્તારમાંથી પણ નવા કેસ મળી આવ્યા હતા. કોલેરાનો રોગચાળો બેકાબુ બનતાં વધુ એક બાળકીનો જીવ ગયો છે. મંગળ ગિરધર પ્રેસમાં રહેતી 9 વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીને કારણે મંગળવારે રાત્રે મૃત્યુ થયું હતું. આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. દૂષિત પાણીના કારણે ફેલાઈ રહેલો રોગચાળો અટકાવવા માટે લીકેજ શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. કલોલ પૂર્વમાં 50 જેટલી સોસાયટી આવેલી છે, જેમાંથી અનેક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા છે.

દૂષિત પાણી મુદ્દે કલોલ પૂર્વ વિસ્તારની 6 જેટલી સોસાયટીએ લેખિત રજૂઆત કરી હતી, જેમાં ગિરીરાજ સોસાયટી, અહેમદી પાર્ક, નિર્ણયનગર, નવજીવન મિલની ચાલી, સૂર્યનગર સોસાયટી, ત્રિકમનગર સોસાયટીનો સમાવેશ થાય છે. બેધ્યાન રહેલું પાલિકા તંત્ર હવે દોડતું થયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને દર્દીઓને દવા અને ઓઆરએસના પૅકેટ અપાઈ રહ્યાં છે. રોગચાળામાં 3 લોકોના જીવ ગયા બાદ પાલિકા તંત્ર દ્વારા પાણીના લીકેજ શોધવાની કવાયત હાથ ધરાઈ છે.

કોલેરાગ્રસ્ત વિસ્તારની જવાબદારી કલોલ મામલતદારને સોંપાતા મીટિંગોનો દોર શરૂ કરાયો છે. આરોગ્ય તંત્રની ટીમ દ્વારા પૂર્વ વિસ્તારમાં ધામા નાખવામાં આવ્યા છે અને ઘરે-ઘરે જઈને સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું, ઘેર ઘેર સરવેની કામગીરી શરૂ
રોગચાળો કાબૂમાં કરવા માટે આરોગ્ય તંત્રની ટીમ દોડધામ કરા રહી છે. અર્બન-1 તથા અર્બન-2 દ્વારા જુદી જુદી ટીમ બનાવીને ઘરે ઘરે સરવેની કામગીરી હાથ ધરાઈ છે, જે અન્વયે અસરગ્રસ્ત દર્દીઓને ઓઆરએસનાં પૅકેટ તથા દવાઓ અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ અસરગ્રસ્ત દર્દીઓને તુરંત સારવાર મળે તે માટે આ જ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું છે.

ચા, નાસ્તા અને નોનવેજની લારીઓ બંધ કરવાની સૂચના
રોગચાળો કાબૂમાં કરવા માટે મામલતદારે કલોલમાં અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં ચાની લારીઓ તથા નાસ્તા અને નોનવેજની લારીઓ બંધ કરવા સૂચના આપી છે.

કલોલ સિવિલમાં પણ દૂષિત પાણી મળતાં AAP નો હોબાળો
કલોલ પૂર્વમાં રોગચાળાને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો મંગળવારે રાત્રે કલોલ નગરપાલિકાની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સુવિધાના અભાવની ફરિયાદોને પગલે આપના કાર્યકરો સિવિલ પહોંચ્યા હતા. આપના દાવા પ્રમાણે હોસ્પિટલમાં 40થી દર્દીઓ સામે સ્ટાફની પૂરતી સુવિધા ન હતી. બાથરૂમમાં પાણીની સુવિધા પણ ન હતી તેમજ મેડીકલ ઓફીસરની હાજરીમાં પાણીનું સેમ્પલ લેતાં બહુજ ડોહળુ પાણી આવતું હતું. જેને પગલે આમ આદમી પાર્ટીના દ્વારા આ મુદ્દે મંગળવારે રાત્રે હોબાળો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...