તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની લાલિયાવાડી:5 વર્ષમાં 9 નોટિસ, થર્ડ પાર્ટી ઓડિટ માટે કહેવાયું છતાં સિવિલ હોસ્પિટલેે ફાયર NOC નથી લીધું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ આગની ઘટનાને પગલે ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. - Divya Bhaskar
અમદાવાદ આગની ઘટનાને પગલે ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.
  • અમદાવાદની ઘટના બની એટલે ગાંધીનગર કોર્પોરેશન જાગ્યું, શહેરની હોસ્પિટલમાં તાકીદ ચેકિંગ હાથ ધરાયું
  • સિવિલમાં કોરોનાના 160 મળી કુલ 460 દર્દી છતાં તંત્રને કોઈ ચિંતા નથી

અમદાવાદ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ 4 માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર ICUમાં આગની ઘટના બની હતી. જેમાં 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. આ ઘટના બાદ ગાંધીનગર તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ફાયર વિભાગ દ્વારા શહેરની આશ્કા હોસ્પિટલ, એસએમવીએસ સહિતની ગાંધીનગરની હોસ્પિટલ્સમાં તપાસ હાથ ધરાઈ હતી. મેયર રીટાબેન પટેલે પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ્સ, ક્લીનિક્સમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરાવવા અને કોઈ ખામી જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જોકે સૌથી મહત્વની વાત એ સામે આવી હતી કે, દરરોજ હજારો લોકોની અવરજવર વાળા ગાંધીનગર સિવિલ પાસે જ ફાયર એનઓસી નથી.

સમગ્ર ઘટનાને પગલે ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર પણ ગાંધીનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા હતા
ફાયર વિભાગ દ્વારા ડિસેમ્બર-2015થી માર્ચ-2020 વચ્ચે અલગ-અલગ મુદ્દા પર સિવિલ તંત્રને 9 નોટિસ અપાઈ હતી. જેમાં છેલ્લે 9 માર્ચના રોજ ગાંધીનગર સિવિલ કેમ્પસની તમામ ઈમારતોનું થર્ડ પાર્ટી ફાયર ઓડીટ કરાવવા માટે પત્ર લખાયો હતો. મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલમાં હાલ કોરોનાના 160 મળી અંદાજે 460 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય રોજના હજારો લોકો દવા લેવા માટે સિવિલ ખાતે આવતા હોય છે. સમગ્ર ઘટનાને પગલે ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર પણ ગાંધીનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા હતા અને જરૂરી સુચનો કર્યા હતા. ભૂતકાળમાં ગાંધીનગર સિવિલમાં આગની ઘટનામાં ફાયર એક્ષટીગ્યુશરની મદદથી કાબૂ મેળવી લેવાયો હતો. તેથી હાજર ડોક્ટર્સ, નર્સ, પ્યુન દરેકને ફાયરના સાધનોનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. જેથી આગ લાગે તે સમયે તેઓ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે.

ફાયર NOC વગર ધમધમતી પગરવ-ગોયેન્કા હોસ્પિટલ
શહેરમાં સેક્ટર-7, 2, 3, સે-22, સહિતના અનેક રહેણાંક વિસ્તારોમાં નાની-મોટી હોસ્પિટલો ધમધમે છે. રહેણાંકમાં હોવાથી તેઓને ફાયર એનઓસી મળવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. શહેરમાં ચેકિંગમાં ગ-6 પાસે રહેણાંકમાં આવેલી પગરવ તથા પેથાપુર-મહુડી રોડ પર પીપળજ ખાતે આવેલી ગોયેન્કા પાસે એનઓસી નથી.

હાજર સ્ટાફનું સામાન્ય જ્ઞાન મોટી આગને ટાળી શકે
ફાયર ઓફિસર મહેશ મોડે કહ્યું હતું કે, ‘કોઈપણ આગની ઘટનામાં હાજર સાધનોનો તાત્કાલિક ઉપયોગ થાય તો મોટી આગ ટાળી શકાય છે. એટલે સિવિલ સહિતની હોસ્પિટલોમાં ડોક્ટર્સ, નર્સ, પ્યુન દરેકને ફાયરના સાધનોનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. બીજુ કઈ નહીં તો ફાયર એક્ષટીગ્યુશરનો ઉપયોગ તો આવડવો જ જોઈએ.’

સિવિલની ફાયર સિસ્ટમમાં શું ખામી છે?
ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશ મોડે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમમાં થોડા કોમ્પિલેકેશન છે, જે પુરા થતાં જ એનઓસી આપી દેવાશે. સિવિલ કેમ્પસમાં બોયસ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, ઓડીટોરિયમ, 600 બેડની નવી હોસ્પિટલનું ઓડીટ થાય તે જરૂરી છે. સિવિલમાં ફાયરના સાધનો તો છે પરંતુ ડિટેક્ટ અને એલાર્મ જેવી સિસ્ટમ યોગ્ય નથી જે બાદ જ એનઓસી આપી શકાય. જોકે ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સારી છે.

અન્ય સમાચારો પણ છે...