નોટિસ:ગુડા વિસ્તારની 86 સોસાયટીએ પાણીનું રૂપિયા 49.28 લાખનું બિલ ભર્યુ નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • છેલ્લા બે વર્ષથી બિલ નહી ભરવા બદલ ગુડાએ નોટિસ ફટકારી

હિતેષ જયસ્વાલ

છેલ્લા બે વર્ષથી ગુડા પાસેથી પાણી લેવા છતાં 86 જેટલી સોસાયટીઓએ રૂપિયા 49.28 લાખનું બિલ ભરવામાં આવ્યું નથી. આથી પાણીનું બિલ સત્વરે ભરી જવાની ગુડાએ સોસાયટીના સંચાલકોને નોટિસ ફટકારી છે. જો બિલ ભરવામાં નહી આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરવાનો નોટિસમાં ઉલ્લેખ છે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગ્રામ્ય વિસ્તોરમાં ટાઉન પ્લાનિંગ કરીને વિકાસ કરવામાં આવ્યો છે. જોકે હાલમાં ગુડાનો મોટાભાગનો વિસ્તાર મહાનગર પાલિકા વિસ્તારમાં જતો રહ્યો છે. જોકે ગુડા પોતાના વિસ્તારમાં આવાસ યોજનાઓની સાથે સાથે સ્થાનિક લોકોની જરૂરિયાત મુજબની માળખાકિય સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમાં સોસાયટીઓને ગુડા દ્વારા નર્મદાનું પાણી પુરું પાડવામાં આવતું હતું. જેના માટે ગુડા દ્વારા સોસાયટીઓ સુધી પાઇપ લાઇન નાંખીને નર્મદાના પાણીની સુવિધા આપવામાં આવી છે.

જોકે ગુડા પાસેથી પાણી લેવા છતાં તેનું બિલ ભરવામાં ગુડા વિસ્તારની 86 જેટલી સોસાયટીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આ સોસાયટીઓ દ્વારા કુલ રૂપિયા 49.28 લાખનું બિલ ભરવામાં નહી આવતા ગુડાએ હવે લાલ આંખ કરી છે.

ગુડા વિસ્તારની સોસાયટીઓ દ્વારા પાણીનું બીલ નહી ભરવા બદલ બે વર્ષ અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ સોસાયટીઓ દ્વારા બિલ ભરવામાં આવ્યું હતું. જોકે ગુડા નર્મદાનું પાણી પણ સરકાર પાસેથી નિયત કરેલા દરથી ખરીદી કરીને સોસાયટીઓને આપી રહ્યું છે.

રહીશો પાસેથી ચાર્જ લેવાય છે
ગુડા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ચેરમેનો તેમજ પ્રમુખો દ્વારા દરેક મકાન માલિક પાસેથી દર મહિને પાણી સહિતનો ચાર્જ લેવામાં આવે છે. પરંતુ સોસાયટીના ચેરમેન કે પ્રમુખ દ્વારા પાણીનું બિલ ગુડાને ભરતા નથી તેમ સોસાયટીઓના રહીશોએ જણાવ્યું હતું.

2 કલાક પાણી આપવામાં આવે છે : ગુડા
ગુડાના કાર્યપાલક ઇજનેર વી.એન.શાહને પુછતા જણાવ્યું છે કે ગુડા દ્વારા સોસાયટીને દરેક ઘરે દરરોજ સવારે બે કલાક પુરતા ફોર્સથી નર્મદાનું પાણી આપવામાં આવે છે. સમ્પ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.ટી.પી. નંબર 4, 5, 6, 8, 9, 10, 13, 19ની સોસાયટીઓ દ્વારા પાણીનું બિલ ભરવામાં આવ્યું નહી હોવાનું ગુડાના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. ગુડાએ પોતાના ટાઉન પ્લાનિંગ વિસ્તારની સોસાયટીઓમાંથી જે સોસાયટીનું બિલ રૂપિયા 10000થી વધારે બાકી છે. તેવી સોસાયટીના સંચાલકોને ગુડાએ નોટિસ ફટકારીને બિલ તાકીદે ભરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...