ગાંધીનગરના ઉવારસદના 63 વર્ષીય વૃધ્ધાને ઇન્ટ્રાડે મેનેજમેન્ટ માર્કેટ્સમાં રોકાણ કરાવીને બે શખ્સોએ 85 લાખની છેતરપિંડી આચરવામાં આવતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના ઉવારસદ ખાતે વૃંદાવન બંગ્લોઝમાં રહેતા હરીબાલા જીવાભાઈ ગોહિલ આરોગ્ય વિભાગમાં લેબોરેટરી ટેક્નીશીયન તરીકે નોકરી કરતા હતા અને અડાલજ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ખાતેથી નિવૃત્ત થયા છે. જેમણે દાદા ભગવાનના જ્ઞાન વિધી હોવાથી દાદા ભગવાનના ત્રિ-મંદિર ખાતે સત્સંગમાં જતાં હતાં. અને બીપીનભાઈ પંડ્યા મારફતે હિતેશ પ્રવિણભાઈ ચૌધરી તથા જય રામ રત્ના (ચંદ્રઠીયા) સાથે સંપર્ક થયો હતો.
જે અન્વયે હિતેશ ચૌધરી ઇન્ટ્રાડે મેનેજમેન્ટ માર્કેટ્સનો ટીમ લીડર તરીકે કામ કરતો હોવાનું કહેવાયું હતું. જેમાં વૃધ્ધાના કેર ટેકર હિરેન પંચાલે 35 હજાર રોકાણ કર્યા હતા. જેની સામે 1.13 લાખ મળ્યા હતા. આ જાણીને વૃધ્ધાએ સપ્ટેમ્બર - 2018 માં રૂપિયા 67.89 લાખ ટુકડે ટુકડે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. જેની સામે લાંબા સમયથી વળતર નહીં મળતા વૃધ્ધાએ ઉઘરાણી કરી હતી.
આથી હિતેશ ચૌધરીએ ઓનલાઈન તેઓના ખાતામાં 56 લાખની કિંમતના 80 હજાર ડોલર બિઝનેસ કોઈન સ્વરુપે ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ બિઝનેસ કોઈન હોવાથી વૃધ્ધા તેને ઉપાડી શકતા ન હતા. આ મામલે મહિલા આયોગમાં પણ ફરિયાદ કરતાં હિતેશ ચૌધરી અને જય ચંદ્રઠીયાએ જુલાઈ-2020ના રોજ 500ના સ્ટેમ્પ પર નોટરી કરીને 20 લાખ ચુકવી આપવાની તેમજ બાકીના પૈસા ચેક દ્વારા આપવાની ખાતરી આપી હતી.
તેમછતાં એક વર્ષ સુધી તેમને પૈસા પરત કરવામાં આવ્યા ન હતા. બીજી તરફ અડાલજ ત્રિમંદિરના સત્સંગી પાસે પણ વૃધ્ધા મારફતે રોકાણ કરાવ્યું હતું. ઉપરાંત વૃધ્ધાના દીકરાએ પણ પૈસાનું રોકાણ કર્યું હતું. આમ પૈસાની ઉઘરાણી કરવામાં આવતાં હિતેશ ચૌધરીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આખરે વૃધ્ધાએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.