એક તરફ દેશ ઓલમ્પિક મેડલ મેળવવા માટે સપના જોઈ રહ્યો છે ત્યારે ગુજરાતભરની શાળામાં વ્યાયામ, ચિત્ર અને સંગીતના આશરે 13થી 14 હજાર શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. પ્રાયમરી તેમજ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગની શાળાઓમાં છેલ્લા 16 વર્ષથી ભરતી કરવામાં આવતી ન હોવાથી હાલમાં હજારો શિક્ષકો બેરોજગાર બની ગયા છે. ત્યારે આજે ઓલ ગુજરાત વ્યાયામ શિક્ષકો દ્વારા શિક્ષણ મંત્રીને આવેદન પત્ર આપીને ભરતી પ્રક્રિયા સત્વરે શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 80 ટકા વ્યાયામ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. રાજયમાં વર્ષ 2005થી વ્યાયામ, સંગીત અને ચિત્રના શિક્ષકોની ભરતી પ્રક્રિયા જ બંધ કરી દેવામાં આવી છે.
એક તરફ સમગ્ર દેશ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ હાસિલ કરે તેવા સ્વપ્નોમાં રાચી રહ્યો છે ત્યારે ગુજરાતમાંથી જુજ ખેલાડીઓ જ ઓલમ્પિક સુધી પહોંચી શક્યા છે. ત્યારે ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં પણ ગુજરાતનું જોઈએ તેવું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી. તેનું મુખ્ય કારણ રાજયની શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી વર્ષ 2005થી બંધ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા માનવ સંસાધન મંત્રાલય દ્વારા દેશના શિક્ષણવીદો સાથે ચર્ચાનાં અંતે નવી શિક્ષણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જેમાં દરેક શાળામાં યોગ, સ્વાસ્થય અને શારીરિક શિક્ષણ ને પણ ફરજીયાત કરવાનો ઉલ્લેખ કરાયો હતો. આ નવી શિક્ષણ નીતિ નું દરેક રાજયએ પાલન કરવાનું રહેતું હોય છે, પરંતુ ગુજરાત સરકાર નવી શિક્ષણ નીતિ સામે આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
બીજા રાજયની વાત કરીએ તો ત્યાંની શાળામાં વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતમાં વર્ષ 2005થી ભરતી બંધ કરી દેવામાં આવી છે. જેનાં કારણે ઓલમ્પિક સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાતમાંથી કોઈ ખેલાડી દેખાતું નથી.
નોર્થ-ઈસ્ટના નાના રાજ્યોમાંથી વ્યાયામ શિક્ષકોની પ્રેરણા લેવાની માંગણી સાથે આજે વ્યાયામનાં બેરોજગાર શિક્ષકો દ્વારા ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ ભરતી બાબતે માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત આગામી સમયમાં વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકોની ભરતી નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.