પોલીસકર્મીને વેક્સિનેશન:રાજ્યભરમાં પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી અને જેલ વિભાગના 1.32 લાખ કર્મીઓને વેક્સિન અપાઇ, 80 ટકા વેક્સિનેશન પૂર્ણ

ગાંધીનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસકર્મીને વેક્સિનેશનની તસવીર - Divya Bhaskar
પોલીસકર્મીને વેક્સિનેશનની તસવીર
  • 81 હજાર જેટલા પોલીસ કર્મી, 22 હજાર જેટલા હોમગાર્ડ, 22 હજાર જેટલા જી.આર.ડી. અને 4 હજાર જેટલા ટી.આર.બી.ના જવાનોને રસી અપાઈ
  • વેક્સિનેશનની કામગીરી હજુ પણ ચાલુ. ડી.જી.પી. સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ લીધી વેક્સિન

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાદ કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોલીસ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપવા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 31 જાન્યુઆરીથી રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત થયેલી છે. જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડ, જી.આર.ડી તથા જેલ વિભાગના 1.32 લાખ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે.

અલાયદા વેક્સિનેશન સેન્ટર બનાવી રસી આપવામાં આવી રહી છે
પોલીસ અને એસ.આર.પી.ના જવાનો અને અધિકારીઓની સાથે-સાથે હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો તથા જેલ વિભાગના કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્યના તમામ જિલ્લા-શહેર ખાતે આ અંગેની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ માટે આરોગ્ય વિભાગ, મ્યુનિસીપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ વચ્ચે સંકલન કરીને પોલીસના વેક્સિનેશન માટેના અલાયદા સેન્ટર નિમવામાં આવેલા છે જ્યાં દિવસભર પોલીસ કર્મચારીઓના વેક્સિનેશનની પ્રક્રિયા ચાલે છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહેલા વેક્સિન લેવા ડીજીપીની અપીલ
અત્યાર સુધીમાં કુલ 1.32 લાખથી પણ વધુ પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. જેમાં 81 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ, 22 હજાર જેટલા હોમગાર્ડ, 22 હજાર જેટલા જી.આર.ડી. અને 4 હજાર જેટલા ટી.આર.બી.ના જવાનોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત, જેલ, સી.આઇ.ડી.(ક્રાઇમ) અને એ.સી.બી. જેવી ખાસ બ્રાંચોમાં અને એસ.આર.પી જેવા ખાસ દળોના પોલીસ કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓ વેક્સિન લેવામાં કોઇ શંકા ન રાખે તે માટે વેક્સિનેશનના પ્રથમ દિવસે રાજ્યના પોલીસ વડા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વેક્સિન કરાવીને પોલીસ વિભાગના જવાનોને વેક્સિન લેવા અપીલ કરી હતી. જેથી રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓએ ઉત્સાહ બતાવીએ વેક્સિન લઇ રહ્યા છે. આજ સુધીમાં આશરે 80 ટકા પોલીસ કર્મચારીઓનું વેક્સિનેશન થયેલું છે. આગામી 2 થી 3 દિવસમાં તમામ કર્મચારીઓની વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

વેક્સિનેશન બાદ કોઈને પણ સ્વાસ્થ્ય સંબંધી તકલીફ નહીં
હાલ સુધીમાં થયેલ વેક્સિનેશનની પ્રક્રિયામાં કોઇ પોલીસ કર્મચારીને કોઇ પણ પ્રકારની સ્વાથ્ય લગતી તકલીફ પણ થઇ નથી. ડી.જી.પી. દ્વારા તમામ પોલીસ અધિકારીઓને ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, તમામ પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવે અને કોઇ પણ જવાન બાકી ન રહી જાય તે રીતે અસરકારક આયોજન કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...