શરતભંગ કરનારા સામે કાર્યવાહી:ગાંધીનગરના રાયસણ-ચિલોડામાં એલઆઇજી ફ્લેટના સીલ ખોલી આપવા લાભાર્થીઓ પાસેથી 7.50 લાખ દંડ વસૂલ કરાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર વિકાસ સત્તા મંડળે ગેરકાયદેસર રહેતા ભાડૂઆતને મકાનો ખાલી કરાવી 56 ફ્લેટને સીલ કર્યા હતા
  • 30 લાભાર્થીઓ પાસેથી 25 હજાર લેખે કુલ રૂ. 7.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો

ગાંધીનગર શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા એલઆઇજી ફ્લેટ આવાસોમાં દરોડો પાડ્યો હતો. જેમાં ગેરકાયદેસર રહેતા ભાડૂઆતને મકાનો ખાલી કરાવી 56 ફ્લેટને તાળા મારી સીલ કરી દેવાયા હતા. જે પૈકીના 30 લાભાર્થીઓ પાસેથી 25 હજાર લેખે કુલ રૂ. 7.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં રાયસણ અને ચિલોડામાં આવેલી આવાસ યોજનામાં શરતભંગ કરીને ભાડે આપી દેવામાં આવેલા ફ્લેટના લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, ફરીવાર મકાન ભાડે આપ્યાનું ખુલતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 56 ફ્લેટને તાળા મારીને સીલ મારી દેવામાં આવ્યાં છે. ત્યારબાદ સીલ ખોલવા માટે પણ નવી નીતિ તૈયાર કરી છે. જે માટે એલઆઇજી કક્ષાના ફ્લેટના સીલ ખોલવા માટે 25 હજાર દંડ નિયત કરાયો હતો. મકાનના સીલ ખોલવાની 30 અરજી મંજૂર કરી લાભાર્થી અરજદારો પાસેથી દંડ પેટે કુલ રૂ. 7.50 લાખની રકમ વસૂલ કરીને સીલ ખોલી આપવામાં આવ્યા છે.

ગુડા દ્વારા પ્રથમ આવાસ યોજના અંતર્ગત રાયસણ, ચિલોડા અને અડાલજના વિસ્તારમાં ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે 1200 જેટલા એલઆઇજી-1 પ્રકારના આવાસનું બાંધકામ શુભલાભ આવાસ નામાભિધાન કરીને કરવામાં આવ્યું હતું.

કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા ઉપરોક્ત મકાન માટે અરજી કરનારા અરજદારો પૈકીના લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી અને બાદમાં નિયમ પ્રમાણે જે લોકોએ ગુડાના આવાસની નિયત કિંમતની ભરપાઇ કરી તેમને આવાસ ફાળવી દેવામાં આવ્યાં હતાં. પરંતુ ફાળવણી સમયે કરવામાં આવેલા કરારમાં ઉપરોક્ત મકાનનો ઉપયોગ લાભાર્થીએ જ કરવાનો રહેશે અને કોઇપણ લાભાર્થી તેમને ફાળવાયેલો ફ્લેટ કોઇપણ પ્રકારે ભાડે આપી શકશે નહીં, તેવી શરત મુકવામાં આવી હતી. પરંતુ સેંકડો લાભાર્થીઓએ શરતભંગ કરીને મકાન ભાડે આપી દઈ શરત ભંગ કર્યાની વસાહતમાં જ રહેતા લાભાર્થીઓની ફરિયાદના પગલે કરવામાં આવેલી તપાસના અંતે 550 જેટલા લાભાર્થીઓને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

આમ છતાં ઘણા લાભાર્થીએ નોટિસને ગણકારી ન હતી. આખરે રાયસણમાં 38 અને ચિલોડામાં 18 ફ્લેટને સીલ મારી દેવાયા હતાં. આ પૈકી રાયસણમાં 17 અને ચિલોડામાં 13 લાભાર્થીએ દંડની રૂપિયા 25 હજારની રકમ ભરાપાઇ કરતાં તેમના ફ્લેટના સીલ ખોલી દેવામાં આવ્યાનું ગુડાના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...