ગુજરાતના મોટા શહેરોમાં ટ્રાફિકની અવેરનેસ માટે તેમજ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે સિગ્નલ પર કેમેરા લગાવીને સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ઈ- મેમો ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ટ્રાફિક પોલીસે કુલ 72.20 લાખ ઇ-મેમો વાહન ચાલકોને ઇસ્યુ કર્યા હતાં પરંતુ વાહનચાલકોએ હજુય દંડ પેટે રૂા.270 કરોડ ભર્યા નથી, જેના કારણે કરાડોના દંડની વસૂલાત કરવાની બાકી છે.
વિધાનસભામાં ગૃહ વિભાગે સ્વીકાર્યું
ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી કુલ 70 કરોડ 80 લાખ બે હજાર 258 રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. આડેધડ ડ્રાઇવિંગ કરી ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફિક પોલીસે કુલ 72 લાખ 60 હજાર 552 વાહન ચાલકોને ઇ-મેમો ઇસ્યુ કર્યા હતાં.
અમદાવાદમાં 79.94 કરોડનો દંડ વસૂલવાનો બાકી
રાજકોટમાં 17.83 લાખ,ગાંધીનગરમાં 1.87 લાખ, વડોદરામાં 13.54 લાખ, અમદાવાદ જિલ્લામાં 26.72 લાખ લોકોને ઇ-મેમો ફટરાયા હતાં. રાજકોટમાં દંડ પેટે રૂા.20.85 કરોડ, વડોદરામાં રૂા.10.63 કરોડ, અમદાવાદમાં 19.87 કરોડ,સુરતમાં 4.81 કરોડ, ગાંધીનગરમાં 7.38 કરોડ વસૂલવામાં આવ્યા હતાં. ઇ-મેમા દંડ પેટે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 104 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે. સુરતમાં 33.10 કરોડ, વડોદરામાં 40.04 કરોડ, અમદાવાદમાં 79.94 કરોડ ઇ મેમોનો દંડ વસૂલવાનો બાકી છે.
માત્ર ડાંગ જીલ્લામાં ઇ-મેમો લાગુ નથી
માત્ર ડાંગ જીલ્લામાં ઇ-મેમો લાગુ નથી. ટ્રાફિકના નિયમોનો ભંગ ન થાય તે માટે તીસરી આંખની નજર રૂપે ટ્રાફિક સિગનલ પર કેમેરા લગાવાયાં છે જેના થકી નિયમોનું ઉલ્લંઘન કરનારાં વાહન ચાલકને ઇ-મેમો અપાય છે.કંટ્રોલરૂમમાં બેસીને શહેરોના વાહન વ્યવહાર પર નજર રાખવામાં આવી છે ત્યારે માત્ર ઇ મેમો આપીને સંતોષ માનવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી છતાંય હજુય ટ્રાફિક સમસ્યા જેસે થે છે.
હેલ્મેટ વિનાના વાહનચાલકો પાસેથી 18.46 કરોડનો દંડ વસૂલ્યો
રાજ્યમાં ગત એક વર્ષમાં પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર 6,23,145 વાહનચાલકો પાસેથી 18.46 કરોડનો દંડ વસૂલ્યો છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2020માં 67 દિવસનું ચૂસ્ત લોકડાઉન હતું અને તે પછી પણ અનલોકમાં અનેક નિયંત્રણ હોવા છતાં આ વર્ષમાં આટલો જંગી દંડ વસૂલાયો છે. વિધાનસભામાં કોંગ્રેસના મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજિતસિંહ પરમારે પુછેલા પ્રશ્નના જવાબમા સરકારે આ માહિતી રજૂ કરી હતી. 24 ડિસેમ્બર 2019થી 23 ડિસેમ્બર 2020 સુધીમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1.58 લાખ વાહનચાલકો પાસેથી 7.92 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.