કોરોનાના કહેરમાં વીમા કંપનીઓ અને હોસ્પિટલ સંચાલકો દ્વારા રીતસરની દર્દીઓ પાસેથી લૂંટ મચાવી હતી. સામાન્ય દર્દીઓને લાખો રુપિયાનુ બીલ પકડાવવામા આવતુ હતુ. ત્યારે દર્દીઓ અને વીમો ખરીદનાર ગ્રાહક સાથે છેતરપિંડી કરવામા આવતા ગ્રાહક ફોરમમાં કેસ કરવામા આવ્યા હતા. જેમા માત્ર ગાંધીનગર જિલ્લામા સપ્ટેમ્બર 2020થી ઓક્ટોબર 2022 સુધી 716 કેસ થયા હતા, જ્યારે 2008 અરજીનો નિકાલ કરાયો હતો. આ કેસમા 70 ટકા વીમા કંપની અને 10 ટકા બિલ્ડર સામે થયા હતા.
કોરોના વાઇરસની બીજી લહેરમા ટપોટપ મોત થતા હતા. પરિણામે લોકો કોરોનાના નામથી ફફડી ઉઠતા હતા. સિવિલમા બેડ મળતા ન હતા, જ્યારે ઓક્સીજનના બાટલાની પણ અછત સામે આવતી હતી. તેવા સમયે જે દર્દીઓ પાસે મેડીક્લેમ હતો, તેમણે સારવાર લીધા બાદ વીમા કંપનીમા ક્લેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીઓ દ્વારા ક્લેઇમ પાસ કરવામા નહિ આવતા આખરે ગ્રાહક ફોરમમા ફરિયાદ કરવામા આવી હતી. જેમા 70 ટકા કેસ વીમા કંપની સામે થયા હતા.
ગાંધીનગર જિલ્લા ગ્રાહક ફોરમમા મદદનીશ નિયામક કૃણાલ બ્રહ્મભટ્ટે માહિતી આપી હતી કે, કોરોના પછી કેસમાં વધારો થયો છે. જેમા ખાસ કરીને વીમા કંપનીઓને લગતા કેસ વધુ ફાઇલ થઇ રહ્યા છે. વીમા કંપનીઓમા ગ્રાહક દ્વારા ક્લેઇમ કરવામા આવતા તેને નામંજુર કરવામા આવતા કેસ કરાયા હતા. સપ્ટેમ્બર 2020થી ઓક્ટોબર 2022 દરમિયાન 716 કેસ ફાઇલ થયા છે. જ્યારે કુલ 2008 કેસનો નિકાલ કરાયો છે.
ગાંધીનગર ફોરમના પ્રમુખ ડી.ટી.સોની દ્વારા માત્ર પક્ષકારને જ સાંભળવામા આવતો નથી. કોરોના સામે ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવામા આવતા કંપનીઓને દંડ ફટકાર્યો હતો. તેની સામે 175 ગ્રાહકો દ્વારા ખોટી ફરિયાદ કરવામા આવતા તેને રદ કરી દેવામા આવી હતી. જ્યારે 3 જેટલી ફરિયાદમા ફરિયાદીને દંડ ફટકાર્યો હતો.ગ્રાહક ફોરમમા બે વર્ષ દરમિયાન 70 ટકા વીમા કંપની, 10 ટકા બિલ્ડર સામે અને 20 ટકા જેટલી ફરિયાદો ઇલેક્ટ્રીક બીલ, ગેસ બીલ, મોબાઇલમા ખરાબી, ફર્નિચર સહિતની નાની મોટી ફરિયાદો સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.