માણસાના દેલવાડ ગામના ચોકમાં વર્ષ 2020માં બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન આરોપી બાળકોને ગાળો બોલી રહ્યો હતો. જેથી આરોપીને ગામના વ્યક્તિએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયો હતો. ગાળો નહિ બોલવાનુ કહેનારને છરી મારી દીધી હતી. આ કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલતા આરોપીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મળતી માહિતી મુજબ માણસા તાલુકાના દેલવાડ ગામમાં આવેલા એક વાસના ચોકમાં મહોલ્લાના બાળકો રમતા રમતા હતા. તે સમયે ગામના કનુભાઇ મણીલાલ પરમાર દ્વારા બાળકોને ગાળો બોલવામાં આવી હતી.
મહોલ્લામાં અન્ય લોકો પણ રહેતા હોવાના કારણે અને નાના બાળકોને હજુ સમજ પડતી નથી, તેવા બાળકોને ગાળો બોલી તેના માનસપટ ઉપર ખરાબ અસર ના પડે માટે હરિકૃષ્ણ જીવાભાઇ સોમાભાઇએ ગાળો નહિ બોલવા કહ્યુ હતુ. જેથી આરોપી કનુ એકા એક ઉશ્કેરાઇ ગયો હતો. ઉશ્કેરાઇ ગયા પછી હરિકૃષ્ણની નજીક પહોંચીને તેની પાસે રહેલી છરી પેટમાં મારી દીધી હતી. એક પછી એક 3 ઘા પેટ, બાવળા અને છાતી ઉપર મારી દેતા લોહીના ફૂવારા ઉડ્યા હતા. યુવક ઉપર હુમલો કરવામાં આવતા બુમરાણ મચી ગઇ હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ બનાવમાં ઇજાગ્રસ્ત હરિકૃષ્ણના ભાઇ બચાવવા પડતા તેમની ઉપર પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ બનાવ બાદ હુમલાખોર સામે માણસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ કેસ ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ જે.આર.શાહની કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારે સરકારી વકીલ જીજ્ઞેશ જોશીએ આરોપીને કડક સજા કરવા દલીલો કરી હતી. જે દલીલોને આધારે હુમલાખોરને 7 વર્ષની કેદની સજા અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.