ગાંધીનગર શહેરમાં એક કે બે નહી પણ 7 જેટલી રિક્ષાની ચોરી કરનારો રીઢો ગુનેગાર ગાંધીનગર એલસીબીના હાથે ઝડપાયો છે. જેની પાસેથી પોલીસે ચોરીની બે રિક્ષા કબજે કરી છે. આ આરોપી અગાઉ પણ વાહન ચોરીના ત્રણ ગુનામાં પકડાયેલો છે તેથી પોલીસે હાલમાં તેનો ગુનાઈત ઈતિહાસ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં એલસીબી પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ફુલુભા અને દિગ્વિજયસિંહ હરીસિંહને સંયુક્ત રીતે આરોપી અંગે બાતમી મળી હતી. જેમાં સે-23ના છાપરામાં રહેતો રાહુલ ગુગાભાઈ પટણી રીક્ષા ચોરી કરવાની ટેવવાળો છે અને તે ચોરીની રિક્ષા લઈને ચરેડી છાપરા પાસે હોવાની બાતમી મળતાં પોલીસ પહોંચી ગઈ હતી. GJ-18-AX-6726 નંબરની રીક્ષા સાથે આરોપી રાહુલ ઉર્ફે મેહુલ પટણી મળી આવ્યો હતો. પોલીસે રીક્ષાના આધાર પુરાવા માંગતા આરોપી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જેથી તેની પૂછપરછ કરતાં રીક્ષા તેણે ત્રણ દિવસ પહેલાં સે-16 થિયેટર પાસેથી ચોરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપીની પૂછપરછ કરતાં તેણે શહેરમાંથી જુદી-જુદી જગ્યાઓમાંથી કુલ 7 રીક્ષા ચોરી હોવાનું કબૂલાત કરી હતી. જેમાં આઠેક માસ પહેલાં સે-13 પ્રાઈવેટ પ્લોટની સામે ખુલ્લી જગ્યામાંથી રિક્ષા ચોરી હતી. રિક્ષા તે અમદાવાદ સરદારનગર ખાતે લઈ ગયો હતો અને ગેસ પૂરો થતાં ત્યાં જ મુકીને આવતો રહ્યો હતો, જે રીક્ષા પોલીસે કબ્જે કરી હતી. સાતેક માસ પહેલાં સે-14માં હાઉસિંગ બોર્ડના ફ્લેટના પાર્કિંગમાંથી રીક્ષા ચોરીને તે ફેરવતો હતો. ગેસ પૂરો થઈ જતાં રીક્ષા તેણે સે-12ની ઝાડીમાં મુકી દીધી હતી.
આરોપીની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે પોતાને રીક્ષા ફેરવવાનો શોખ હોવાથી ચોરી કરીને ગેસ પૂરો થઈ જતાં તે મુકીને જતો રહેતો હતો. આરોપી અગાઉ પણ વાહન ચોરીના ત્રણ ગુનામાં પકડાયેલો છે.આ રીતે શહેરમાં આઠ જ માસમાં સાત જેટલી રિક્ષા ચોરનારો આરોપી પકડાઈ ગયો છે.
ગાંધીનગર સિવિલથી રીક્ષા ચોરી પણ ગેસ ખલાસ થઈ જતાં ડેપો સામે મૂકી દીધી હતી
પાંચેક માસ પહેલાં ગાંધીનગર સિવિલમાંથી રીક્ષા ચોરીને ગેસ પૂરો થઈ જતાં એસટી ડેપો સામે મુકી દીધી હતી. આ ઉપરાત તેણે ત્રણ માસ પહેલાં સે-21 માર્કેટ, બે માસ પહેલાં સેક્ટર-7 કેટેગરી, ચારેક દિવસ પહેલાં સે-24 શાકમાર્કેટ પાસેથી આરોપીએ રીક્ષા ચોરી હતી. તમામ રીક્ષાઓ આરોપી ગેસ પૂરો થઈ જતાં જે-તે સ્થળે મુકી દેતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.