આખરે ન્યાય મળ્યો:મેંદરા જમીન કૌભાંડમાં 7, કરાઈના કેસમાં 3 સામે ગુનો, જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ અરજી થઈ હતી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેંદરા, કરાઈ, ગલુદણના ખેડૂતોએ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના સ્થળોએ પ્રદર્શન કર્યું હતું. - Divya Bhaskar
મેંદરા, કરાઈ, ગલુદણના ખેડૂતોએ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના સ્થળોએ પ્રદર્શન કર્યું હતું.
  • 23 દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો
  • પોલીસ વિભાગને લેટર લખીને આ કિસ્સાઓમાં ગુનો બનતો હોવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો

મેંદરા, કરાઈ અને ગલુદણના ખેડૂતોએ આપેલી લડતમાં બે કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે એક કિસ્સામાં આજે પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. જેમાં મેંદરાની પાંચ વીઘા જમીન મુદ્દે કુલ 7 શખ્સો સામે છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે કરાઈની 7 વીઘા જમીન બાબતે ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. મળેલી માહિતી મુજબ ગલુદણની અંદાજીત 6 વીઘા જેટલી જમીનના કિસ્સામાં આજે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય તેમ છે. 27 એપ્રિલના રોજ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે મેંદરા, કરાઈ, ગલુદણના અંદાજે 25થી વધુ ખેડૂતોએ હોબાળો કર્યો હતો.

સમગ્ર મુદ્દે કલેક્ટર સમક્ષ પણ ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ત્યારે ત્રણેય કેસમાંથી મેદરા અને ગલુદણના કિસ્સામાં જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ અરજી થઈ હતી. જ્યારે કરાઈના કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી થઈ હતી. ત્યારે ત્રણેય કેસની કલેક્ટર કચેરી તરફથી થયેલી પ્રાથમિક તપાસમાં ગુનો બનતો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આ મુદ્દે પોલીસ વિભાગને લેટર લખીને આ કિસ્સાઓમાં ગુનો બનતો હોવાનો નિર્દેશ કરાયો હતો.

મેંદરાની 5 વીઘા જમીન મામલે તથા કરાઈની 7 વીઘા જમીન બાબતે કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ

કોની સામે ફરિયાદ નોંધાઈ : મેંદરાના કિસ્સામાં: નિલેષ બીજલભાઈ કણઝારીયા (વાસુદેવ પાર્ક, સૈજપુર બોઘા), કુલદીપ વનરાજસિંહ ચાવડા (વાસુદેવપાર્ક, સૈજપુર બોઘા), દશરથ ભીખાભાઈ રાજગોર (કર્ણાવતીનગર, કૃષ્ણનગર), જયેશ પ્રજાપતિ, લાલાસિંહ રામસિંહ રાઠોડ (પુજારામની ચાલી, સૈજપુર બોઘા), વિતેશ મધુકરભાઈ સોની (જ્યોતિ રેસિડેન્સી, નવા નરોડા), પંકજ સુરેશ પાટીલ (જ્યોતિ રેસિડેન્સી, નવા નરોડા)

કરાઈના કિસ્સામાં : દિલીપસિંહ અમરસિંહ પગી
(કર્ણાવતીનગર, નવા નરોડા), ભાવેશ ભરતભાઈ મકવાણા (ધન્વતંરી સોસાયટી, સૌજપુરબોઘા), દશરથ ભીખાભાઈ રાજગોર (કર્ણાવતીનગર, કૃષ્ણનગર)

મેંદરામાં મૈયતનું નામ કઢાવવાના બહાને સહીઓ લીધી
મેંદરાના જશુભાઈ પટેલે ડભોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગામમાં તેઓને બે સરવે નંબરની જમીન છે. તેઓએ પાંચ વિઘા જમીન જાન્યુઆરીમાં વેચાણ માટે મુકી હતી, ફરિયાદીનો દીકરો બાપુનગર હીરા ઘસવા જતો હોવાથી તે નિલેશ કણઝારીયા અને કુલદીપ ચાવડાને ઓળખતો હતો. જમીન વેચવા અંગે વાત કરતાં બંને જાન્યુઆરીમાં દશરથ રાજગોર અને જયેશ પ્રજાપતિને લઈને આવ્યા હતા. બંનેએ ઓળખાણ બિલ્ડર તરીકે આપી હતી. રેવન્યૂ રેકર્ડમાં મૈયત સભ્યનું નામ કઢાવવા સોંગદનામા પર સહી કરી આપી હતી.

કરાઈમાં વિધવા સહાયના નામે સહીઓ લીધી ખાતામાં પૈસા નાખી પરત લેવાની વાત કરી હતી
કરાઈના શાંતાબેન નટવરજી ગોહીલે (70 વર્ષ) આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગામમાં તેઓના સાતેક વીઘા જમીન આવેલી છે. પશુપાલન કરતાં વૃદ્ધા પાસે સાતેક મહિના પહેલા દશરથ રાજગોર આવ્યો હતો અને દરરોજ 10 લીટર દૂધ લેવાની વાત કરી હતી. નિયમિત દૂધ લઈને પૈસા ચૂકવી દઈને દશરથે તેઓનો વિશ્વાસ કેળવ્યો હતો. સારી સારી વાતો કરીને વૃદ્ધાને તેણે વિધવા સહાય અપાવવાની વાત કરી હતી. જે માટે ડિસેમ્બર-2021માં વૃદ્ધા અને તેમના પુત્રના અંગુઠા લઈને ફોટો અને આધારાકાર્ડ, બેંકની પાસબૂક લઈ ગયો હતો. આરોપીએ એક-એક લાખના ચાર ચેક આપીને વિધવા સહાયના પૈસા આવી ગયા હોવાનું કહ્યું હતું. થોડા દિવસ પછી દશરથે પોતાને ઈન્કમટેક્ષ બચાવવા ફરિયાદીના ખાતામાં પૈસા નાખીને પરત લઈ લેવાની વાત કરી હતી. વૃદ્ધા સમક્ષ કરગરીને તેણે માતા-પુત્રના ખાતામાં નવ-નવ લાખ નાખ્યા હતા. જે બાદ બંને પાસે ચેક ભરાવીને 19.50 લાખ ઉપાડી લીધા હતા. થોડા સમય પછી ફરિયાદના પુત્રએ જમીનનો 7-12નો ઉતારો કઢાવતા અંદર વેચાણ દસ્તાવેજ બતાવ્યો હતો. જેમાં વેચાણ આપારના તરીકે ફરિયાદી અને પુત્રનું જ્યારે કુલમુખત્યાર તરીકે દશરથ રાજગોરનું નામ હતું. જેમાં આરોપીએ 2019ના વર્ષનો ખોટા પાવર ઓફ એટર્ની તૈયાર કરીને જમીન પચાવી પાડવા સરકારી કચેરીમાં રજૂ કર્યા હતા. જેને પગલે દશરથ અને સાક્ષી તરીકે સહી કરનાર ભાવેશ અને દીલીપ સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...