સુવિધામાં વધારો:ગાંધીનગર કોર્પોરેશનમાં પેન પેપરથી કામ કરતી 7 શાખા સોમવારથી નવા બિલ્ડિંગમાં કાર્યરત કરી દેવાશે

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટરનેટ સહિતની સુવિધાની હાલમાં જરૂરિયાત ન હોય એવી શાખાનું સ્થળાંતર થશે
  • ફર્નિચર સહિતના અમુક નાના-મોટા કામો બાકી હોવાથી હાલમાં યથાસ્થાને જ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેન પેપરથી કામ કરતી સાત શાખા સોમવારથી નવા બિલ્ડિંગમાં કાર્યરત કરી દેવામાં આવશે. જુના બિલ્ડિંગમાં પેન પેપરથી કામ કરતી સાત જેટલી શાખાઓનું સોમવારથી સેકટર - 17 માં નિર્માણાધીન નવા બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવશે. ઈન્ટરનેટ સહિતની અન્ય સુવિધાની હાલના તબક્કે જરૂરિયાત ન હોય એવી શાખાઓેને નવા બિલ્ડિંગમાં કાર્યરત કરવાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકાના આધુનિક સુવિધાઓ સાથેનું બિલ્ડીંગ સેકટર - 17માં નિર્માણ કરી દેવાયું છે. જોકે, હજી પણ અત્રે ફર્નિચર સહિતના અમુક નાના-મોટા કામો બાકી હોવાથી હાલમાં યથા સ્થાને જ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નવા બિલ્ડિંગમાં ફર્નિચરના કામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ એજન્સી નક્કી થયા પછી કામગીરી થવાની છે. બીજી તરફ કોર્પોરેશનનો વ્યાપ વધવાની સાથે કોર્પોરેટરોની સંખ્યા પણ 44 થઈ ચૂકી છે.

જુના બિલ્ડિંગમાં દરેક વિભાગોની સાથે કોર્પોરેટરોને બેસવા માટે જગ્યા નાની પડતી હોવાથી તાકીદે નવી બિલ્ડિંગમાં સ્થળાંતર કરવું પણ જરૂરી બની ગયું છે. આ અંગે કોર્પોરેશનનાં સૂત્રોએ કહ્યું હતું કે શનિ - રવિની રજાઓ દરમિયાન બે ત્રણ શાખાનું નવા બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવશે. જે પછી સોમવારે વધુ ચારેક શાખા પણ ત્યાં ખસેડી કાર્યરત કરી દેવામાં આવશે.

આ એવી શાખાઓ છે જે જેમને હાલમાં ઇન્ટરનેટ સહિતની સુવિધાઓની જરૂરિયાત નથી. આ શાખાઓને પેન પેપર થકી કામગીરી કરવાની થતી હોવાથી સોમવારે સાત જેટલી શાખાઓનું સેકટર - 17 નવા બિલ્ડિંગમાં સ્થળાંતર કરી કાર્યરત કરી દેવામાં આવશે. માર્ચ એપ્રિલ 2022 સુધીમાં મોટાભાગે મનપાના દરેક વિભાગ અહીં કાર્યરત થઈ જાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. ઈન્ટરનેટ તેમજ ફર્નિચરની કામગીરી પૂર્ણ થઈ જશે એટલે મે - 2022 પહેલા કોર્પોરેશન ના તમામ વિભાગો નવા બિલ્ડિંગમાં શરૂ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...