કોરોના સંક્રમણ:પાટનગરમાં 24 કલાકમાં કોરોના કેસમાં 68%નો વધારો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 132 કેસ : ગાંધીનગરમાં 91, ગ્રામ્યમાં 41 : 7 દિવસમાં કુલ 413 કેસ, 91 કેસમાંથી 23ની ટ્રાવેલ હિસ્ટ્રી
  • મહિલા પ્રોફેસર તથા 4 વિદ્યાર્થી ઝપટમાં
  • દહેગામ​​​​​​​ પોલીસ સ્ટેશનના 4 જવાન ગાંધીનગર ગયા હતા

ગાંધીનગરમાં સતત સાતમા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. શુક્રવારે શહેર વિસ્તારમાં કોરોના 91 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ વિસ્તારમાં 41 કેસ નોંધાયા હતા. જિલ્લામાં 132 કેસ સાથે સાત દિવસમાં આંકડો 413 પહોંચ્યો જ્યારે. શહેરમાં 91 કેસમાં સેક્ટર-14ના 8 વર્ષના બાળકથી લઈને ખોરજના 96 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે.

91 કેસમાં 41 મહિલા અને 50 પુરૂષોનો સમાવેશ થાય છે. શહેરમાં નોંધાયેલા કેસોમાં સરગાસણ વિસ્તારમાં 14, વાવોલમાં 4, કુડાસણમાં 8, સેક્ટર-7માં 5, સેક્ટર-19માં 2, વાવોલમાં 4, સેક્ટર-3માં 6, સેક્ટર-2માં 5, રાંધેજામાં 4 કેસ સામે આવ્યા છે. શહેરમાં નોંધાયેલા 91 કેસમાંથી 23 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી છે. બાકીના 68 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

એટલે તેઓને કોઈને કોઈને રીતે સ્થાનિક લેવલે કોરોનાનો ચેપ લાગ્યો છે. સેક્ટર-14માં કોરોનાગ્રસ્ત થયેલા 8 વર્ષના બાળક અને ખોરજના 96 વર્ષીય વૃદ્ધાની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેને પગલે શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કેસમાં વધારો નોંધાયો છે. શહેરની આઈઆઈટી ગાંધીનગરમાં પણ પાંચ કેસ નોંધાયા છે. જેમાં એક 52 વર્ષીય મહિલા પ્રોફેસર તથા ચાર સ્ટુડન્ટને પણ કોરોના થયો છે. ચાર સ્ટુડન્ટમાં 21 વર્ષીય, 22 વર્ષીય, 22 વર્ષીય અને 20 વર્ષીય યુવકોનો સમાવેશ થાય છે. જેમાંથી 22 વર્ષીય અને 21 વર્ષીય સ્ટુડન્ટની ટ્રાવેલ હિસ્ટ્રી ગોવા બતાવે છે.

આલમપુર ‌BSF કેમ્પમાં 12ને કોરોના: ગ્રામ્યમાં કુલ 41 કેસ
શુક્રવારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 41 કેસ નોંધાયા હતા, જેમાં દહેગામ તાલુકામાં બે, ગાંધીનગર તાલુકામાં 28, કલોલ તાલુકામાં 10 અને માણસા તાલુકામાં 1 કેસનો સમાવેશ થાય છે. ગાંધીનગર તાલુકાની વાત કરીએ આલમપુર બીએસએફ કેમ્પમાં જ 12 કેસ નોંધાયા છે. બીજી તરફ લેકાવાડા સીઆરપીએફ કેમ્પમાં પણ 2 વિદ્યાર્થી સહિત કોરોનાના 7 કેસ સામે આવ્યા છે.

આલમપુર એરફોર્સ ખાતે 1 કેસ, અડાલજમાં 7 કેસ, ઉવારસદમાં 2 કેસ નોંધાયા છે. દહેગામ તાલુકામાં દહેગામ ગામ અને રખીયાલમાં એક-એક કેસ નોંધાયો છે. કલોલ તાલુકાની વાત કરીએ તો અદાણી શાંતિગ્રામમાં એક, બોરીસણામાં 3, કલોલ શહેરમાં 5 તથા પાનસરમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ છે.

રાહત: નવા તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં
શુક્રવારે નોંધાયેલા તમામ 91 દર્દીઓની હોમ આઈસોલેશનમાં સારવાર શરૂ કરાઈ છે. નવા કેસમાં 8 વર્ષના બાળક અને 96 વર્ષીય વૃદ્ધાને પણ ઘરે જ સારવાર અપાઈ રહી છે. આ 91 દર્દીઓના સંપર્કમાં આવેલા 193થી લોકોને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

બાળકોમાં વધતું સંક્રણ
શહેરમાં નવા નોંધાયેલા 91 કેસમાં 6 બાળકો 15 વર્ષથી નાની ઉંમરના છે. જ્યારે 16થી 20 વર્ષની વચ્ચેના 7 જેટલા દર્દીઓનો સમાવેશ થાય છે. વડીલોની વાત કરીએ તો 55થી લઈને 96 વર્ષના 12 વડીલો કોરોનાગ્રસ્ત થયા છે. બાકીના દર્દીઓ 20થી લઈને 54 વર્ષની વચ્ચેના છે.

વાઇબ્રન્ટના બંદોબસ્તમાંથી પરત ફરેલા દહેગામના હેડ કોન્સ્ટેબલને કોરોના
દહેગામ : વાઈબ્રન્ટ ગુજરાત સમિટના બંદોબસ્તના રિહર્સલમાંથી પરત આવેલા દહેગામ પોલીસના જવાનનો કોરોનો પોઝિટિવ આવ્યો છે.જેના કારણે તેમની સાથે ગયેલા અન્ય જવાનોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. દહેગામ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ સહિત ચારેક લોકો વાઈબ્રન્ટ સમિટનાં રિહર્સલ અને ટ્રેનિંગમાં ગાંધીનગર ખાતે ગયા હતા.

જેમાં હેડ કોન્સ્ટેબલને શરદી, તાવ અને ઉધરસની તકલીફ રહેતા કોરોના માટે રેપિડ અને ત્યારબાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવાયો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા જવાન આઇસોલેટ થઈ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. દહેગામ પોલીસ સ્ટેશનનો કર્મી પોઝિટિવ આવતા તેમના સહકર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

10186 બાળકોને રસી શુક્રવારે શહેરી વિસ્તારમાં 15થી 18 વર્ષના 2536 કિશોર સહિત 4,122 લોકોને રસી અપાઈ હતી. શહેરમાં અત્યાર સુધી 3,99,760 લોકોને રસીનો એક જ્યારે 2,89,903ને રસીના બંને ડોઝ અપાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 7650 કિશોરો મળીને 9,372 લોકોને રસી અપાઈ હતી. ગ્રામ્યમાં અત્યાર સુધી 8,93,469 ને પ્રથમ જ્યારે 8,30,424 ને બંને ડોઝ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...