રાજ્યમાં અમલી બનાવાયેલા કોરોના નિયંત્રણમાં મોટી છૂટછાટ આપવાની વિચારણા રાજ્ય સરકારે હાથ ધરી છે. લગ્ન અને સામાજિક પ્રસંગ માટે હાલની 400ની મર્યાદા વધારીને 600થી 800ને મંજૂરી અપાય તેવી શક્યતા છે. રાત્રિ કર્ફ્યૂ પણ હવે ઉઠાવી લેવાય તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગ સાથે પરામર્શ બાદ ગૃહ વિભાગ 1 ડિસેમ્બરથી નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય એકાદ દિવસમાં જાહેર કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યમાં વ્યાપકપણે થયેલા રસીકરણને કારણે કોરોનાના કેસો પણ અંકુશમાં છે. દિવાળી બાદના સમયમાં પણ કેસોમાં મોટો ઉછાળો આવ્યો નથી. ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ લગ્નો, સ્નેહમિલન સમારોહ જેવા સામાજિક પ્રસંગોનું મોટા પાયે આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોને નિયંત્રણમાં વધુ છૂટછાટ અપાશે.
આ સિવાય પહેલી ડિસેમ્બરથી પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર અને અન્ય સ્થળોએ પણ પહેલી ડિસેમ્બરથી એક પછી એક કાર્યક્રમો યોજાવાના હોવાથી અને તેમાં ભાગ લેવા માટે બહારના લોકો તેમ જ ટ્રાન્સપોર્ટેશન વધે તેમ હોવાથી હાલ 8 મહાનગરોમાં લાદવામાં આવેલો રાત્રે 12થી સવારે 6 સુધીનો રાત્રિ કર્ફ્યૂ પણ ઉઠાવી લેવાય તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.