વ્યાજના વિષચક્રમાં વેપારી ફસાયો:ગાંધીનગરમાં ધંધા માટે 15 લોકો પાસેથી 60 લાખ વ્યાજે લીધા, પઠાણી ઉઘરાણીના કારણે આપઘાતનો પ્રયાસ અને ગૃહત્યાગ કરવો પડ્યો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર - 1 માં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીએ ધંધાર્થે અલગ અલગ લોકો પાસેથી બે થી પાંચ ટકા લેખે 60 લાખ વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ ચૂકવવા છતાં દેવું ભરપાઈ નહીં થતાં વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરીને ત્રાસ આપતા હતા. જેનાં પગલે વેપારીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યા પછી ગૃહત્યાગ કરવાની નોબત આવી હતી. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ વ્યાજખોરો સામે લાલ આંખ કરતાં જ વ્યાજના ચક્કરમાં ફસાયેલા કરિયાણાના વેપારીએ 15 વ્યાજખોરો સામે નવેમ્બર મહિનામાં આપેલી અરજીનાં અનુસંધાને સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરનાં સેકટર - 24 ડબલ ડેકર મકાન નંબર 275 માં રહેતો મૂળ રાજસ્થાની સુરેશ ભવાજી પ્રજાપતિ સેકટર-1 શાકમાર્કેટમાં જય બજરંગ પ્રોવિઝન સ્ટોર્સ નામથી કરીયાણાનો વેપાર કરે છે. જ્યાં આનંદ નામનો કારીગર છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે. આજથી બે વર્ષ પહેલા સુરેશને ધંધામાં પૈસાની જરૂરીયાત પડતા છેલ્લા બે વર્ષમાં તેણે પરિચયમાં આવેલા જેકાભાઇ પટેલ પાસેથી રૂ. 19 લાખ, સેકટર - 6 નાં મોન્ટુભાઇ પટેલ પાસેથી રૂ. 2 લાખ, કોલવડાનાં સુનીલભાઇ પટેલ પાસેથી રૂ. 2 લાખ, કુડાસણનાં હનીશભાઇ પટેલ પાસેથી રૂ. 3 લાખ, ગોવિંદભાઇ પટેલ રૂ. 1 લાખ, સેકટર - 4 ના ગેરાજી પ્રજાપતી પાસેથી રૂ. 2 લાખ, સેકટર - 21 માર્કેટમાં પ્લાટીક મીણીયાની દુકાનપ પ્લાટીકવાળા પટેલભાઈ પાસેથી રૂ. 2.50 લાખ, કુડાસણના ભરતભાઈ પટેલ ઉર્ફે બી. કે પટેલ પાસેથી રૂ. 3.50 લાખ, બોરીજના છગનલાલ મેઘવાલ પાસેથી રૂ. 2 લાખ, સેકટર - 6 ના રમણ પટણી પાસેથી રૂ. 12 લાખ, સરગાસણના અશ્વીનભાઇ પટેલ પાસેથી રૂ. 2 લાખ, કુડાસણના સોમભાઈ પાસેથી રૂ. 50 હજાર, મધુર ડેરીમાં નોકરી કરતા પટેલભાઈ પાસેથી રૂ. 3 લાખ, સેકટર - 1 ના કેતનભાઇ પાસેથી રૂ. 4.50 લાખ અને કુડાસણના રજનીભાઇ પટેલ પાસેથી રૂ. 1.50 લાખ મળીને કુલ રૂ. 60 લાખ લીધા હતા.

આ તમામ વ્યાજખોરો બે થી પાંચ ટકા વ્યાજ સુરેશ પ્રજાપતિ પાસેથી વસૂલ કરતા હતા. જે પૈસાની સિક્યુરિટી પેટે અલગ અલગ બેન્ક ખાતાના ચેકો પણ લીધા હતા. જો કે સુરેશે જેટલા પૈસા લીધા એટલી રકમનાં ચેક લખીને આપવાનું કહેતા ઉક્ત તમામ લોકો માનેલા નહીં અને તેની પાસેથી કોરા ચેકો લઈ લીધા હતા.

આમ એક જણનું વ્યાજ ચૂકવવા માટે બીજા પાસેથી વ્યાજે રૂપિયા લેવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. જેનાં કારણે સુરેશનાં માથે માતબર રકમનું દેવું થઈ ગયું હતું. આ પૈસાની ઉઘરાણી માટે વ્યાજખોરો તેની દુકાને જઈને ધાક ધમકીઓ આપતા રહેતા હોવાથી ગત તા. 9/11/2022 ના મોડી રાતે સુરેશે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેતા સુરેશ 11/11/2022 ના રોજ સેકટર - 21 પોલીસ મથકમાં અરજી આપી ગૃહત્યાગ કરીને જતો રહ્યો હતો.ત્યારે તાજેતરમાં જ ગૃહ રાજ્મંયત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે કડક પગલાં ભરવાના આદેશો આપવામા આવતાં જ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. અને સુરેશ પ્રજાપતિની ફરિયાદના આધારે ઉક્ત 15 વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...