રાજ્યના એમએસએમઇ એકમોને આપવાનો થતો કોલસો બારોબાર વેચીને 6 હજાર કરોડનું કૌભાંડ આચરવાનો મુદ્દો વિધાનસભામાં ગૂંજ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મામલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા અને આ મામલે તપાસમાં ક્યા જવાબદારો સામે પગલા લીધા તેનો જવાબ માગ્યો હતો.
કોલસા કૌભાંડ આચરવાનો મુદ્દો વિધાનસભામાં ગૂંજ્યો
વિધાનસભામાં ઉદ્યોગ વિભાગની માંગણી પરની ચર્ચામાં અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં એમએસએમઇના નામે 60 લાખ ટન કોલસાનું સૌથી મોટું કૌભાંડ થયું જેની કિંમત 6 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારે થાય છે. કોલ ઇન્ડિયાની સ્કીમ હેઠળ ગુજરાતના એમએસએમઇ એકમોને ફાળવવાનો થતો કોલસો બારોબાર અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બીજા રાજ્યોના બજારમાં વેચી દેવામાં આવ્યો.
કરોડના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે શું તપાસ કરી
એમએસએમઇ એકમોને કોઇ કોલસો મળ્યો નથી એટલું જ નહીં તેમના નામે કોલસો ફાળવાયો છે એની પણ તેમને ખબર નથી, જ્યારે તપાસ થઇ તો સરકારે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવાની વાત કરી. આ 6 હજાર કરોડના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે શું તપાસ કરી, ક્યા જવાબદારો સામે પગલાં લીધા તેનો જવાબ સરકાર આપે. માત્ર એક અધિકારીની બદલી કરવાથી નહીં ચાલે. સરકારમાં બેઠેલા લોકોની સામેલગીરીથી આ કૌભાંડ થયા છે તેની વિગતો પણ મંત્રીએ આ ગૃહમાં આપવી જોઇએ.
ધોલેરામાં સરકારી જમીન બારોબાર વેચી દેવામાં આવી
મહેસૂલ વિભાગની ચર્ચામાં ચાવડાએ કહ્યું કે ધોલેરામાં 100 કરોડની કિંમતની 6 લાખ ચોરસમીટરની સરકારી જમીન બારોબાર વેચી દેવામાં આવી. આ કૌભાંડની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી. 15 દિવસમાં એસઆઇટીએ રીપોર્ટ આપી દેવાનો હતો. મંત્રી જવાબ આપે કે એ રીપોર્ટનું શું થયું. કોની સામે કાર્યવાહી થઇ. અમદાવાદમાં સરદારનગરમાં સરકારી જમીનમાં બનેલું બિલ્ડીંગ તોડ્યાના બીજા જ વર્ષે એક રાજકીય આગેવાનના આશિર્વાદથી ફરી પાછું એ જગ્યા પર કોમ્પ્લેક્સ બની બારોબાર વેચાઇ જાય એ સરકારને ખબર ન હોય એવું બને?
જમીન માપણીમાં સર્વે નંબરોની હેરફેર કરી દેવાઇ
મહેસૂલ વિભાગની ચર્ચા દરમિયાન અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે જમીન માપણીમાં પારાવાર ક્ષતિઓ રહી છે જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. આખા ગુજરાતમાં જે માપણી થઇ છે તેમાં વિસંગતતા છે. અંતરિયાળ જમીનો રોડ ટચ બતાવી દેવાય છે. મળતિયાઓને લાભ કરાવવા માટે આ જમીન માપણીમાં ખોટું કરવામાં આવ્યું છે, સર્વે નંબરોની હેરફેર કરવામાં આવી છે જેને કારણે જ સરકાર જમીન માપણી રદ કરવાથી પીછે હઠ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.