બે વિદ્યાર્થીઓ સહિત જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કોરોનાના 6 કેસમાં મનપા વિસ્તારમાંથી એક અને કોરોનાની ત્રીજી લહેર બાદ 100 દિવસ પછી જિલ્લાના ચારેય તાલુકામાંથી એક જ દિવસમાં 5 નવા કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને હોમ આઇસોલેશન સારવાર અપાઈ રહી છે.
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. તેનો પરચો બતાવતું હોય તેમ શાળા ખુલ્યા પહેલાં જ બે વિદ્યાર્થીઓ સહિત છ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે કોરોનાની ત્રીજી લહેર બાદ સુષુપ્ત રહેલું કોરોનાનું સંક્રમણ ત્રણ માસ પછી પુન: સળવળ્યું હોય તેમ નોંધાઇ રહેલા કોરોનાના કેસ પરથી લાગી રહ્યું છે.
જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી એક જ દિવસમાં પાંચ કેસ ગત તારીખ 3જી, માર્ચ-2022ના રોજ નોંધાયા હતા. ત્યારબાદ 100 દિવસના વિરામ બાદ પુન: રવિવારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે. તેમાં ચાર કેસ તો એક જ પરિવારના સભ્યો છે. જેઓ તાજેતરમાં જ ચેન્નાઇ જઇને પરત આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
અદાણી શાંતિગ્રામમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો સંક્રમિત થયા છે. તેમાં 69 વર્ષના વૃદ્ધ, 65 વર્ષના વૃદ્ધા, 37 વર્ષની મહિલા અને 11 વર્ષનો વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયો છે. જ્યારે નારદીપુરનો 24 વર્ષીય વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સરગાસણમાં રહેતો 3 વર્ષની બાળકી સંક્રમિત માતા-પિતાના સંપર્કમાં આવતા કોરોનામાં સપડાઇ છે. કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.