સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો:ગાંધીનગરના પ્રાંતિયાથી આઈસર ટ્રકમાંથી 5792 બોટલ દારૂ ઝડપી પાડ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે વિદેશી દારૂની 5792 બોટલોનો જથ્થો ભરીને અમદાબાદ ડીલીવરી કરવા જતી આઈસર ટ્રક સાથે ડ્રાઇવરને ઝડપી પાડી કુલ રૂ. 10.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળતા વોચ ગોઠવી હતી
રાજયમાં ચૂંટણી ટાણે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાંનાં સીધા સુપરવિઝન હેઠળ ટીમના માણસો સક્રિય થયા છે. જે અન્વયે બાતમી મળી હતી કે, એક આઇસર ગાડી (GJ- 23-Y-7985) માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી બિસમિલ્લા ઉર્ફે અબુડો લંઘો (રહે. જુહાપુરા, અમદાવાદ) હિંમતનગર તરફથી મોટા ચિલોડા સર્કલથી થઇને પસાર થવાનો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગની ટીમે એસઆરપી સ્ટાફને સાથે રાખી નાના ચિલોડા સર્કલ થઇને મોટા ચિલોડા સર્કલ પાસે હિંમતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી.

ટ્રકની તાડપત્રી ઉચી કરી જોતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
ત્યારે હિંમતનગર તરફથી બાતમી મુજબની ટ્રક નાના ચિલોડા સર્કલ બાજુ નેશનલ હાઇવે નં. 48 તરફ જતા ફિલ્મી ઢબે પીછો કરીને પ્રાંતિયા લવારપુર બ્રિજ ઉતરતા "કોડીમાં લાઇવ કિચન રેસ્ટોરન્ટ” સામે આંતરી લેવાઈ હતી. અને ચાલક બિસમિલ્લા ઉર્ફે અબુડો જુસબભાઇ લંઘો, (રહે. પુઠ્ઠાવાળાના મકાનમા ભાડેથી, અશરફનગર, APMC માર્કેટની પાછળ, જુહાપુરા) ને ઝડપી લીધો હતો. બાદમાં ટ્રકની તાડપતરી ઉચી કરી જોતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જંગલમાં આઠેક કિ.મી. અંદરથી દારૂ ભરી આપવામાં આવ્યો હતો
જે અંગે પૂછતાછ હાથ ધરતાં બિસમિલ્લા એ કબૂલાત કરી હતી કે, ગઈકાલે સાંજના સમયે તેના મિત્ર મહંમદ ફિરોઝ વસીમ ઉર્ફે વાસુ કમલુદીન અબ્દુલભાઇ શેખ (રહે. સંકલીતનગર, જુહાપુરા) ફોન કરીને કહ્યું હતું કે આઈસર ટ્રક ઓઢવ સર્કલ પાસે પડેલ છે તેના ડેસ્ક બોર્ડના ખાનામા 4 હજાર તથા ગાડીની ચાવી પડેલ છે. તે લઇને રાતના દારૂનો જથ્થો શામળાજી ચેક પોસ્ટથી આગળ રાજસ્થાનની હદમા ભરવા જવાનુ છે. અને શામળાજી ચેક પોસ્ટ પછી રાજસ્થાનની હદમા જતા તુરત જ ડાબા હાથે ત્રણ ઢાબા આવશે. તેમા વચ્ચેના ઢાબે પહોંચી મને ફોન કરજે. જેથી બિસમિલ્લા આઇસર ગાડી લઇને ત્યા પહોંચતા મહમદ ફિરોઝ વસીમ ઉર્ફે વાસુ કમલુદીન અબ્દુલભાઇ શેખે ફોન કરીને બેસવાનું કહ્યું હતું. બાદમાં એક અજાણ્યો માણસ આવીને તેને હાઇવે રોડથી અંદર જંગલમાં આઠેક કિ.મી. જેટલો લઇ જઈ દારૂનો જથ્થો માણસો મારફતે લોડ કરવાનું શરૂ કરેલું. એ દરમ્યાન તે ટ્રકની કેબિનમાં સૂઇ ગયો હતો. તેણે ત્યા મને તેના માણસો મારફતે ઉપરોકત વિદેશી દારુનો જથ્થો ભરી આપેલ. જે દરમ્યાન હુ ઉપરોકત આઇશર ગાડીના કેબીનમા સુઇ ગયેલ હતો

દારૂ ભરેલી ટ્રકનું પાયલોટીંગ કરવામાં આવતું હતું
બાદમાં તેણે મહમદ ફિરોઝ વસીમ ઉર્ફે વાસુ કમલુદીન અબ્દુલભાઇ શેખને ફોન કરીને જાણ કરેલ કે ગાડી ભરીને હાઇવે રોડ ઉપર પહોચી ગયેલ છુ અને રાજસ્થાનથી હિમતનગર થઇ અમદાવાદ આવુ છુ. તો મહમદ ફિરોઝ વસીમ ઉર્ફે વાસુ કમલુદીન અબ્દુલભાઇ શેખ કહેલ કે તુ શામળજીથી આગળ આવેલ ટોલ નાકા પાસે આવી જા. હું અને રજાકભાઇ નુરભાઇ ત્યા મારી સફેદ કલરની ફોર વ્હીલ ગાડી લઇને તારી ગાડીનુ પાયલોટીંગ કરવા માટે આવેલ છીએ. જે મુજબ ટ્રકનું પાયલોટીંગ કરાતું હતું. પરંતુ પ્રાંતીયાં પહોંચતા સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ઝડપી લીધો હતો.

દારૂના જથ્થાનું વાસણા - વેજલપુરમાં કટિંગ કરવાનું હતું
આ વાતની વાસુભાઇ તથા રજાકભાઇને જાણ થઇ જતા તેઓ બન્ને વસુભાઇની ફોર વ્હીલ ગાડી લઇને નાસી ગયા હતા. આ વિદેશી દારુનો જથ્થો વાસુભાઇ, વાસણા અને વેજલપુર વિસ્તારમાં કટીંગ કરવાના હતા અને આજથી બે ત્રણ દિવસ પહેલા પણ તે વાસુભાઇ ઉપરોકત આઇશર ગાડી લઇને રાજસ્થાનથી ઉક્ત રીતે 70 પેટી ઇંગ્લીશ દારુ ભરીને લઇ આવેલ હતો. અને તે ગાડી વાસુભાઇને અમદાવાદ સરખેજ ખાતે રીંગરોડ ઉપર આપી દીધી હતી.

એક ટ્રીપના 5 હજાર ચૂકવવામાં આવતા હતા
જે પેટે તેને એક ટ્રીપના 5 હજાર ચૂકવવામાં આવતાં હતાં. જ્યારે રજાકભાઇ નુરભાઇ શેખ (રહે.રોનકપાર્ક APMC માર્કેટની પાછળ, જુહાપુરા)ને સાથે પાયલોટીંગમાં આવવાના એક ટ્રીપના એક હજાર આપવામાં આવતા હોવાની વધુમાં બિસમિલ્લાએ કબૂલાત કરી હતી. આ અંગે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધી 5.79 લાખનો દારૃ, મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૂ. 10.85 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...