શહેરના સેક્ટર 29 સ્થિત હરિ ઇલેક્ટ્રિકના વેપારીને બિલ્ડરની ઓફિસમાં નોકરી કરનારા અને જીઇબીના એમડીના ડ્રાઇવરની ઓળખ આપી વધારે કામ અપાવવાનુ કહીને વેપારી સાથે 5.65 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો છે. 9 લાખ રૂપિયાના બીલની સામે માત્ર 4 લાખ આપ્યા બાદ 3 લોકોએ રૂપિયા આપવામાં હાથ ઉંચા કરી દેતા વેપારીએ પેથાપુર પોલીસ મથકમાં 3 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવા માટે અરજી કરી છે. મળતી માહિતી મુજબ શ્રી હરિ ઇલેક્ટ્રિકના દિનેશસિંહ ચાવડાએ પેથાપુર પોલીસ મથકમાં અરજી આપતા જણાવ્યુ છે કે, શહેરમાં ઇલેક્ટ્રીક સામાનનો વેપાર અને ઇન્સ્ટોલેશનની કામગીરી કરુ છુ.
જ્યારે શહેરમાં ચાલતી બાંધકામ સાઇટમાં પણ સામાનનુ વેચાણ કરે છે. ત્યારે સિદ્ધેશ્વરી ડેવલોપર્સના નામે વહિવટ કરતા રોહિતસિંહ પરમાર સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ ફિરોજભાઇ શેખ નામના વ્યક્તિએ પોતે જીઇબીના એમડીનો ડ્રાઇવર હોવાની ઓળખ આપી હતી. તે ઉપરાંત કુલદીસિંહ વાઘેલા નામના યુવક ત્રણેય લોકોએ સાથે મળીને માલના બીલ ચૂકવવાની જગ્યાએ નનૈયો ભણ્યો હતો. તમામ લોકોએ મારી પાસેથી નવેમ્બર 2020મા માલ ખરીદ્યો હતો, જેનુ બીલ 9,65,122 રૂપિયા થયુ હતુ. જેમાથી 3 લાખ ચેકથી અને એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જ્યારે 5.65 લાખ રૂપિયા બાકી રાખવામા આવ્યા હતા.
જે નાણાંની વારંવાર માગણી કરવા છતા બહાના બતાવવામા આવતા હતા. ક્યારેક સામાનના રૂપિયા આપવા ના પડે તે માટે તમે પુરુ કામ કર્યુ નથી, તેમ કહેવામાં આવતુ હતુ. ત્યારપછી ત્રણેય લોકોએ વેપારીને ઝાળમાં ફસાવતા કહ્યુ હતુ કે, મે તમારુ બીલ ફાડી નાખ્યુ છે, જ્યારે ત્રણેય લોકોએ બિલ્ડર પાસેથી નાણાં લઇને સરખા ભાગે વહેચી લીધા હતા. જો બાકી બીલના નાણાં માટે ફરીથી ફોન કર્યો છે, તો જાનથી મારી નાખવાની વેપારીને ધમકી આપવામા આવી હતી. તે ઉપરાંત જીઇબીના એમડીનો ડ્રાઇવર નહિ હોવા છતા ખોટુ બોલીને વધુ કામ અપાવવાની લાલચ આપી ફિરોજે વેપારીને ફસાવ્યો હતો.
જ્યારે કુલદીપ વાઘેલા પહેલા વેપારી સાથે કામ કરતો હતો, પરંતુ વેપારીએ છુટો કર્યા પછી તેનો બદલો લેવા માગતો હોય તેમ બે લોકો સાથે મળીને 5.65 લાખનો ચૂનો લગાવ્યો છે, આ બાબતની ત્રણેય લોકો સામે ફરિયાદ નોંધવા માટે પેથાપુર પોલીસ મથકમા અરજી કરવામા આવી છે. વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, પેથાપુર પોલીસ દ્વારા મારી સાથે છેતરપિંડી થઇ હોવા છતા ફરિયાદ નોંધતી નથી.જેથી વેપારીમાં રોષ ફેલાયો છે. આટલી મોટી રકમની છેતરપિંડી થઇ હોવા છતાં પોલીસે ફરિયાદ ન કરી માત્ર અરજી લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.