તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સે-6માં 560 સરકારી આવાસોનું આવતા મહીને લોકાર્પણની શક્યતા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • B ટાઈપના 280 અને C ટાઈપના 280 મકાનો બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે

કર્મચારીનગર ગાંધીનગરમાં નવા તૈયાર થયેલા 560 જેટલા આવાસનું આગામી મહિને લોકાર્પણ થવાની શક્યતા છે. સેક્ટર-6 ડી ખાતે બી ટાઈપના 280 તથા સી ટાઈપના 280 મકાનો બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. જેમાં ફિનિસિંગ અને બારીબારણાની કામગીરી બાકી છે. જે આવતા મહિના સુધીમાં પૂર્ણ થઈ જાય તેમ છે. પાટનગર યોજના વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે આવાસો બનીને કર્મચારીઓને મળી જાય તે દિશામાં પ્રયત્નો ચાલી રહ્યાં છે.

ગાંધીનગરમાં સચિવાયલ સહિતના સરકારી વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ માટે સ્થાપનાકાળથી સરકારી આવાસો બનાવાયા છે. પહેલાં બે અને વધુમાં વધુ ત્રણ માળના આવાસો બનાવાતા હતા. સમય જતાં સરકારી કર્મચારીઓમાં વધારો થતાં આવાસોની પણ માંગ વધી છે. જેને પગલે સરકારે ઓછી જગ્યામાં વધુ આવાસો બને તેવા ફ્લેટ ટાઈપના મકાનો બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધી સેક્ટર 7, 29 અને સેક્ટર 30માં મળીને 600 જેટલા ફ્લેટ બાંધવામાં આવ્યા છે અને હાલ ત્યાં કર્મચારીઓ રહેવા પણ આવી ગયા છે.

શહેરમાં હાલ નવા-જુના અંદાજે 11 હજાર જેટલા સરકારી આવાસોમાં કર્મચારીઓ સાથે રહે છે. આમ છતાં પણ હાલની સ્થિતિએ સાડાચાર હજાર જેટલું વેઈટિંગ છે. જેમાં સૌથી વધુ જ-બી ટાઈપ, ચ ટાઈપ, ચ-1સી ટાઈપ તથા તે પછી છ-બી ટાઈપના આવાસોનું વેઈટિંગ છે. સેક્ટર-6ના આવાસોનું લોકાર્પણ થતાં આવાસોના વેઈટિંગમાં ઘટાડો થશે.

અન્ય કયા સ્થળે આવાસો બની રહ્યાં છે?
સેક્ટર-6 ડી ખાતે નવા બનેલા 560 આવાસોથી 500 મીટરના અંતરે જ સેક્ટર-6 એ ખાતે ચ ટાઈપના 280 મકાનોનું કામ ચાલું છે. આ સાથે સેક્ટર-29 ખાતે છ ટાઈપના 280 મકાનોનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. કર્મચારીઓની જરૂરિયાતને જોતા તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરાઈ રહી છે. જો કોરોનાનું ગ્રહન ન નડ્યું હોય તો આ ત્રણેય સ્થળે મકાનો તૈયાર થઈ ગયા હોવાનું કહેવાય છે.

કર્મીને પગાર ધોરણ મુજબ આવાસો મળે છે
સરકારી કર્મચારીઓ-અધિકારીઓને ફાળવવામાં આવતાં આવાસોના નિયમમાં દોઢ વર્ષ પહેલાં ફેરફાર કરીને હવે સાતમા પગારપંચના આધારે સરકારી આવાસોની ફાળવણી કરવામાં આવશે. જેમાં વર્ગ-4થી લઈને વર્ગ-1ના ઉચ્ચઅધિકારીઓને ફાળવવામાં આવતાં સરકારી આવાસની કક્ષા નક્કી કરવામાં આવી છે. જેમાં 14,800થી લઈને 1,31,100 સુધીના પગાર ધોરણમાં એ/જ-1/કક્ષા-1થી લઈને ઇ-2/ખ સુધીના આવાસ અપાય છે. જેમાં કોઇપણ પ્રકારના ખાસ પગાર કે ભથ્થાનો સમાવેશ કરવામાં આવતો નથી. જ્યારે ક કક્ષાના મકાન માટે 1,82,200 મુળ પગાર ધરાવતા અધિકારીઓને અગ્રતા તથા 2,25,000 મુળ પગાર ધરાવતા અધિકારીઓને ઉચ્ચ અગ્રતા અાપવામાં આવે છે.

અધિકારીઓ અને કર્મીઓને નિવૃત્તિ પછી પણ સરકારી આવાસનો મોહ છૂટતો નથી
ગાંધીનગરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિ પછી સરકારી આવાસનો મોહ છૂટતો નથી. અત્યાર સુધીમાં વિવિધ કક્ષાના 400થી વધુ આવાસ નિવૃત્ત કર્મચારીએ ખાલી કર્યાં નથી. કબજો પાછો લેવા માટે નોટિસ બજાવાઈ છે અને ઇવિક્શન કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આવાસ મેળવવા 4000થી વધુ કર્મચારીની અરજી પડતર છે.

અન્ય સમાચારો પણ છે...