ઘર કા ભેદી લંકા ઢાયે:ગાંધીનગરમાં ખાનગી કંપનીની સિનિયર મેનેજરનાં ઘરનાં ડિજિટલ લોકરમાંથી જાણભેદુ 5.58 લાખની મત્તા ચોરીને રફુચક્કર

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢેક મહિના પેલા મહિલાએ ડ્રાઇવરને સંભળાય એ રીતે પુત્રને લોકરનો પાસવર્ડ આપ્યો હતો
  • સરગાસણમાં નવીન મકાનના ફર્નિચરના પૈસા ચૂકવવા માટે લોકર ખોલતાં ચોરી થયાની જાણ થઈ

ગાંધીનગરના જીઈબી કોલોની ખાતે એક ખાનગી કંપનીના સિનિયર મેનેજરનાં ઘરમાં પાસવર્ડ વાળા ડીજિટલ લોકરમાંથી કોઈ જાણભેદુ ઈસમ રોકડા 5 લાખ, સોનાના દાગીના મળીને રૂ. 5.58 લાખની મત્તા ચોરીને નાસી ગયો હોવાની ફરિયાદ સેકટર - 21 પોલીસ મથકમાં નોંધાઈ છે. વિધવા મહિલાએ દોઢેક મહિના પહેલા ડ્રાઇવરને સંભળાય એ રીતે પોતાના પુત્રને ફોન ઉપર લોકરનો પાસવર્ડ આપ્યો હતો. જેથી ડ્રાઇવર સામે શંકાનાં આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.

છ વર્ષથી નોકરી કરતાં ડ્રાઇવર સામે શંકા
ગાંધીનગર જીઇબી કોલોની મકાન નંબર 14/3 ટાઈપ-2 માં રહેતા પરમજીતકૌર નરેન્દ્રસીંગ છાબડા એક ખાનગી કંપનીમાં સીનીયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેમના પતિ જીઇબીમાં નોકરી કરતા હતા અને તેમનું આજથી ત્રણ વર્ષ અગાઉ અવસાન થયું છે. હાલમાં પરમજીતકૌર તેમના દીકરા દીકરી સાથે ઉક્ત મકાનમાં રહે છે. સિનિયર મેનેજર પરમજીતકૌરનાં ત્યાં છેલ્લા છ વર્ષથી ડ્રાઇવર તરીકે મહેશ રાવળ (રહે. સેકટર - 4, મૂળ પીડારડા) નોકરી કરી રહ્યો છે.

ફર્નિચરનું બિલ ચૂકવવા લોકર ખોલ્યું તો ચોરી થયાનું માલુમ પડયું
તેમના સરગાસણનાં મકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાથી ગઈકાલે ગુરુવારનાં રોજ બિલ ચૂકવવાનું હતું. આથી ગઈકાલે ગુરૃવારે તેમણે ઘરમાં બેડરૂમમાં બનાવેલા કબાટમાં પાસવર્ડ વાળુ લોકર ખોલ્યું હતું. ત્યારે માલુમ પડયું હતું કે કોઈ જાણભેદુ ઈસમ પાસવર્ડ વડે લોકર ખોલીને અંદરથી 5 લાખ રોકડા, એક સોનાની ચેઇન પેન્ડલ તથા બુટ્ટી સાથે જે આશરે પોણા તોલા વજનનો કિ રૂ 40 હજાર તથા એક સોનાનું અર્ધ ચંદ્રકાર આકારનું પેન્ડલ રૂ. 18 હજાર સહિત અન્ય પરચુરણ વસ્તુઓ તથા એક ડોકયુમેન્ટનું ફોલ્ડર પણ ચોરી ગયો છે.

દોઢેક મહિના પહેલા ડ્રાઇવર લોકરનો પાસવર્ડ સાંભળી ગયો હતો
આ અંગે તેમણે સંતાનોને પણ લોકર ખોલવા બાબતે પૂછતાંછ કરી હતી, પણ સંતાનોએ લોકર ખોલ્યું નહીં હોવાની કેફિયત જણાવી હતી. છેલ્લે ગઇ 25 જુલાઈના રોજના રોજ લોકર ખોલવામાં આવ્યું હતું. ત્યારે અંદર પૈસા અને દાગીના સહિતની ચીજો હતી. ત્યારે પરમજીતકૌરને યાદ આવ્યું હતું કે, દોઢેક મહિના પહેલા દીકરાએ ફોન કરીને પાસવર્ડ પૂછ્યો હતો. એ સમયે ડ્રાઇવર સાંભળે એ રીતે તેમણે લોકરનો પાસવર્ડ પુત્રને કહ્યો હતો. આથી ડ્રાઇવર મહેશ સામે શંકા વ્યક્ત કરી સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...