ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીનું સોમવારે રાજીનામુ લઇ લેવાયું છે. કાર્યકારી એમ.ડી તરીકે જયેન મહેતાની નિમણૂક કરવામાં આવી છે. 40 વર્ષ પહેલાં આર. એસ. સોઢી ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડકેશનમાં સેલ્સ ઓફિસર તરીકે જોડાયા હતા. જૂન 2010માં તેમને મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુકત કરાયા હતા. સતત 10 વર્ષ કાર્યભાર સંભાળ્યા બાદ છેલ્લાં 2 વર્ષથી તેમને એકસટેન્શન અપાયું હતું. તેમને જયારે એમડી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે જીસીઅેમઅેમ અેફનું ટર્ન ઓવર 8 હજાર કરોડ હતું. જે હાલમાં વધીને 61 હજાર કરોડ થઇ ગયુ છે.
સોઢીના રાજીનામાનો ઘટનાક્રમ ઘણો જ દિલચશ્પ છે. સોમવારે ઓચિંતી જ ફેડરેશનની બોર્ડ મિટીંગ ગાંધીનગર પાસેની મધર ડેરી ખાતે આવેલી ઓફિસે બોલાવવામાં આવી હતી અને તે દરમિયાન સોઢીને ફેડરેશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સભ્યોએ રાજીનામું આપી દેવા જણાવ્યું હતું. જો કે આ બાબતથી નારાજ સોઢી બેઠક છોડીને બહાર ચાલ્યા ગયા. તે ફેડરેશનના ત્રણ સભ્યોએ જઇને સોઢીને સ્પષ્ટ સંભળાવી દીધું કે રાજીનામું ધરી દો અથવા આવતીકાલે અમે મીડિયાને બોલાવીને તમને ખુલ્લા પાડી દઇશું. આ પછી સોઢીનું રાજીનામું લઇ લેવાયું.
આશ્ચર્યજનક રીતે સોઢીને પાઠવાયેલા પત્રમાં ફેડરેશને સોઢીની સેવા સમાપ્ત કરવાનો અને તેમનો ચાર્જ ફેડરેશનના ચીફ ઓપરેટિંગ ઓફિસર જયેન મહેતાને આપવાનું જણાવાયું છે. આ પછી ચૂપચાપ સોઢી પોતાનું રાજીનામું લખીને જતા રહ્યા હતા.
ફેડરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર સોઢીએ થોડા સમય પહેલાં પંજાબ સરકારના મંત્રીઓ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સાથે એક ગુપ્ત મુલાકાત કરી હતી અને તે સદંતર રાજકીય મુદ્દા આધારિત હતી. આ સિવાય સોઢી ફેડરેશનના પ્રભાવી સભ્યો સિવાયના કોઇપણ સભ્યનું સન્માન જાળવતા નહીં અને દરેક જિલ્લા દૂધ સંઘોમાં પોતાની મનમાની ચલાવતા હતા તેથી તેમના વિરુદ્ધ ઘણાં જીલ્લા સંઘોના ચેરમેન નારાજ હતા. એક ચેરમેને જણાવ્યું કે જે જિલ્લા સંઘના મત વધુ હોય તેમની સાથે સોઢીની યારી રહેતી અને તે ડેરી પર ખૂબ મહેરબાન થઈને રહેતા અને અન્ય સંઘોને સદંતર અન્યાય કરતા.
બે વર્ષથી પદ આંચકી લેવાની હિલચાલ હતી
ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ તરીકે ગયા ઓગસ્ટ મહિનામાં ચૂંટાયા બાદ સોઢી ખૂબ આપખુદશાહી રીતે વર્તતા હતા. અમૂલ સિવાયની ખાનગી હરીફ બ્રાન્ડને સોઢી અંદરખાને સહયોગ કરતા જેથી અમૂલને નુક્સાન થાય તેવી સ્થિતિ હતી. તેમના ભ્રષ્ટ વહીવટને કારણે બે વર્ષ પહેલાં જ મહેતાને એમડી તરીકે ચાર્જ લેવા જણાવાયું હતું, પરંતુ સોઢીના વહીવટની આળ મહેતા પોતાના માથે આવે તેમ ઇચ્છતા ન હોવાથી તેમણે સદંતર ઇન્કાર કરે રાખ્યો. તે પછી ખૂબ ઉચ્ચ સ્થાનેથી રાજકીય રીતે બાંયધરી મળતા તેમણે આ માટે તૈયારી દર્શાવી હતી.
હવે ટૂંક સમયમાં ફેડરેશનના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થશે
ફેડરેશનના હાલના ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન વલમજી હુંબલની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઇ રહી છે, ત્યારે વીસમી જાન્યુઆરી બાદ ગમે ત્યારે ફેડરેશનની ચૂંટણી થશે. આ દરમિયાન તેના ચેરમેન તરીકે વધુ પ્રભાવી એવી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી કે આણંદ અમૂલના રામસિંહ પરમાર ચેરમેન પદે આવે તેવી ગણતરી મંડાઇ રહી છે.
ગેરરીતિના આક્ષેપ ઊઠયા હતા,મામલો દિલ્હી પહોંચ્યો
ડૉ.આર.એસ.સોઢીના કાર્યકાળ દરમિયાન તેમના વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ ઉપરાંત આવક કરતાં વધુ મિલકત ધરાવતા હોવાના આક્ષેપ પણ થવા પામ્યા હતા. અા મુદ્દે છેક દિલ્હી સુધી મામલો પહોંચતા સેવા સમાપ્તીનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.