ત્રણ વ્યકિતને નવજીવન:ગાંધીનગરના 52 વર્ષીય બ્રેઇનડેડ કિસનભાઇ વાધેલાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદને બે કિડની અને એક લીવર મળ્યું

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના 52 વર્ષીય બ્રેઇનડેડ કિશનભાઈ વાઘેલાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદને નવજીવન મળ્યું છે. કિશનભાઈ વાઘેલાના પરિવારજનો દ્વારા બે કિડની અને એક લીવરનું અમદાવાદ સિવિલ હોસ્પિટલને દાન આપવામાં આવતાં ત્રણ લોકોને નવજીવન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 95માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. 52 વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના રહેવાસી હતા. તેઓને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર બાદ પણ ભગવાનને ગમ્યું તે ખરું. ત્રણ દિવસના સંપૂર્ણ પ્રયાસો ના અંતે માથાના ભાગમાં થયેલ ગંભીર ઇજાના પરિણામે આખરે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.

કિસનભાઇ વાધેલાને બ્રેઇનડેડ જાહેર કરતા સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ સમગ્ર ટીમ પરિવારજનોને અંગદાન માટે પ્રેરવા કાર્યરત બની. અંગદાનની સમગ્ર કામગીરીમાં શરૂઆતથી જ નિષ્ઠાભાવપૂર્ણ જોડાયેલા ડૉ. પુંજીકા અને તેમની ટીમે દર્દીના સગાને અંગદાન માટે કાઉન્સેલીંગ કર્યું. પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને કોઇપણ બીજી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગદાન માટે સહમતિ દર્શાવી હતી.

અંગદાનની સહમતિ દર્શાવતા ડૉ. પુંજીકા અને તેમની સમગ્ર ટીમ બ્રેઇનડેડ કિસનભાઇને રીટ્રાઇવલ રૂમમાં લઇ ગયા. જ્યાં અંદાજીત 5 થી 6 કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. બંને કિડનીને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં જ્યારે લીવરને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, અંગદાનની સમગ્ર પ્રક્રિયાનુ પ્રાથમિક સોપાન પરિવારજનોનું કાઉન્સેલીંગ અને તેમની સહમતિ છે. જેના વિશે વધુમાં ડૉ. પુંજીકા કહે છે કે, છેલ્લા એક વર્ષથી સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે જાગૃકતા પ્રવર્તી છે. આજે અંગોની ખોડખાંપણ અને સમસ્યા %થી પીડાઇ રહેલા દર્દીને અંગદાન થકી મળતા અંગોથી પ્રત્યારોપણ દ્વારા નવજીવન મળી રહ્યું છે.

આ ક્ષણે તબીબે સમાજના દરેક વર્ગને અંગદાનના સેવાયજ્ઞમાં જોડાઇને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે અનુરોધ કર્યો છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાનનો સેવાયજ્ઞ આદરીને સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યો માટે અંગદાન ક્ષેત્રે સારથીની ભૂમિકા અદા કરી છે.રાજ્યની અન્ય હોસ્પિટલ પણ સિવિલ હોસ્પિટલની કાર્યપ્રણાલીથી પ્રેરણા લઇને અંગદાન થકી નવજીવન આપવાની કામગીરીમાં નિષ્ઠાપૂર્વક જોડાઇ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ 95 અંગદાન થકી 298 અંગોનું દાન મળ્યું છે.જેને 276 જરૂરિયાતમંદ અને પીડિત દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...