ગાંધીનગરના કોલવડા ગામ ખાતે ઘઉંના ખેતરમાં અડધી રાત્રે પોલીસે પૂર્વ બાતમીના દરોડો પાડી ખેતર ફેંદી નાખીને 51 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. પરંતુ નાટયાત્મક રીતે દારૂનો જથ્થો રેઢિયાળ મૂકીને નાસી ગયેલો બુટલેગર હાથમાં આવ્યો ન હતો. જેનાં પગલે પોલીસને દારૂનો જથ્થો જપ્ત કરીને સંતોષ માનવો પડ્યો હતો. કોલવડા ગામમાં વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓ બેરોકટોક ફૂલીફાલી હોવા છતાં દારૂ બંધીની કડક અમલવારી કરાવવા સ્થાનિક પોલીસને પસીનો છૂટી જતો હોય છે. ગઈકાલે પણ પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે કોલવડા ખાતે આવેલ ઘઉંનું ખેતર રાત્રીના અંધકારમાં ફેંદી નાખી દારૂનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે. પરંતુ જાણે અગાઉથી પોલીસ રેડની ગંધ આવી ગઈ હોય એમ બુટલેગર દારૂનો જથ્થો રેઢિયાળ મૂકીને નાસી જવામાં સફળ રહ્યો છે. પેથાપુર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કોલવડા ગામની સીમમાં આદરજ તરફ જતા રોડે દશામાના મંદિરની પાછળ આવેલ બકાજી ઉદાજી વાઘેલાના કબજા ભોગવટાના ઘઉંના વાવેતર ખેતરમાં બુટલેગર કિશનસિંહ ગોવિંદસિંહ વાઘેલા (રહે. કોલવડા) દારૂનો જથ્થો સંતાડીને છૂટક વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ખેતરમાં પહોંચી ગઈ હતી. જ્યાં ઘઉંનું વાવેતર કરેલું હતું.
જો કે બાતમી પાક્કી હોવાથી પોલીસે ખેતર ફેંદી નાખીને પણ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસ રેડની ગંધ આવી ગઈ હોય એમ બુટલેગર કિશનસિંહ દારૂનો જથ્થો રેઢિયાળ મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. જેથી પોલીસને 51 હજારનો દારૃનો જથ્થો જપ્ત કરીને સંતોષ માનવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘણા વખતથી કોલવડાના નામચીન રીઢા બુટલેગરો શહેરમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરી રહ્યા હોવા છતાં પોલીસ હજી તેમના સુધી પહોંચી શકતી નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.