ગાંધીનગર શહેરની પાંચ પ્રાથમિક શાળાઓને રૂપિયા 6.11 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કુલ બનાવવામાં આવશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડ ઉપર શિક્ષણ આપવામાં આવશે. ઉપરાંત બાળકો માટે રમત ગમતના સાધનો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરને સ્માર્ટસીટી બનાવવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મનપા વિસ્તારની પાંચ પ્રાથમિક શાળાઓને રૂપિયા 6.11 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કુલ બનાવવામાં આવશે. જેના માટે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે વર્ગખંડોમાં સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવશે. ઉપરાંત પ્રોજેક્ટ પણ વર્ગખંડોમાં ફીટ કરીને દ્દશ્ય શ્રાવ્યના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય તેવું આયોજન કરવામાં આવનાર છે. જોકે ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તકમાં શાળાઓનું સંચાલન આપવામાં આવ્યું નથી. પરંતુ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત પાંચ પ્રાથમિક શાળાઓને સ્માર્ટ સ્કુલ બનાવવામાં આવનાર છે. સ્માર્ટ સ્કુલના કમ્પાઉન્ડમાં બ્લોક ફીટ કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે રમત ગમતના સાધનો પણ ફીટ કરવામાં આવ્યા છે.
જોકે મનપા વિસ્તારમાં સ્માર્ટ સ્કુલો બનાવવાની સાથે વિદ્યાર્થીઓને ગમે તેમજ તેમના અભ્યાસક્રમમાં આવે તેવા ચિત્રો ભીંતો ઉપર દોરવામાં આવશે. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉપયોગી વિવિધ ભૌત્તિક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. શાળાની ઓસરીમાં વિવિધ પ્રેરણાદાયક સ્લોગન તેમજ વિદ્યાર્થીઓને રીશેષના સમયે બેસવા માટેની સુવિધા કરવામાં આવશે. શાળાઓના કમ્પાઉન્ડ વોલને પણ ચિત્રોથી આકર્ષિત બનાવવામાં આવશે. શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા ઉભી કરાશે.
સેક્ટર-6ની પ્રાથમિક સ્કૂલમાં સુવિધા ઉભી કરાઇ
નગરની પાંચ પ્રાથમિક શાળાઓને સ્માર્ટ સ્કુલ બનાવવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબક્કામાં સેક્ટર-6ની સરકારી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કુલને લગતી તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.
પાંચ પ્રાથમિક શાળાઓને સ્માર્ટ બનાવાશે
સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત નગરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓને સ્માર્ટ સ્કુલ બનાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમાં સેક્ટર-6, પાલજ, બાસણ, સેક્ટર-7 અને ધોળાકુવાની પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.