આયોજન:જિલ્લાના 4500 વિદ્યાર્થી ધો-12 સામાન્યની પૂરક પરીક્ષા આપશે, 1 બ્લોકમાં 20 છાત્રોની બેઠક વ્યવસ્થા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહના 4500 વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો તારીખ 28મી, સપ્ટેમ્બરના રોજ પ્રારંભ થશે. જોકે પ્રત્યેક પરીક્ષાખંડમાં માત્ર 20 જ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવાની હોવાથી કુલ 7 સેન્ટરમાં 250 બ્લોકનો ઉપયોગ કરાયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય મોડે મોડે કર્યો હતો. આથી ધોરણ-10 અને 12 સાયન્સની પૂરક પરીક્ષાના વીસેક દિવસ પછી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તારીખ 28મી, સપ્ટેમ્બરના રોજ પ્રારંભ થશે. હાલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પૂરક પરીક્ષા કોરોનાની ગાઇડ લાઇન મુજબ લેવામાં આવનાર છે. જેમાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું થર્મલગનથી તાપમાન ચેક કર્યા બાદ સેનેટાઇઝરથી હાથ સફાઇ કરાવવામાં આવશે. ઉપરાંત માસ્ક પહેર્યા વિનાના પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાશે નહી. કોરોનાની ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે પરીક્ષા શરૂ થવાના 45 મિનિટ પહેલાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જવાનું રહેશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા જિલ્લાના 4500 વિદ્યાર્થીઓ આપવાના હોવાથી કુલ 7 શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠક વ્યવસ્થા રહેશે.

અન્ય સમાચારો પણ છે...