ચોર ઝડપાયા:કલોલના રકનપુરમાં થયેલી 4.46 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે મુખ્ય સૂત્રધાર મહિલા સહિત પાંચ શખ્સોને ઝડપ્યા

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનના લોખંડના દરવાજાને ગેસ કટરથી કાપી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો
  • મહિલા સૂત્રધારે સમગ્ર પ્લાન ઘડીને ચોરી કરવા પેટે 10 હજાર આપ્યા હતા

ગાંધીનગર કલોલના રકનપુર ખાતે અવસર જ્વેલર્સ નામની દુકાનનાં લોખંડના દરવાજાને ગેસ કટરથી કાપી બાકોરૂ પાડી અંદર પ્રવેશીને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ. 4.46 લાખની મત્તા ચોરીનો ભેદ છ દિવસમાં જ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દઈ ચોરીને અંજામ આપનાર મહિલા મુખ્ય સૂત્રધાર સહિત પાંચ ઘરફોડ ચોરોને ઝડપી પાડી 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આજથી છ દિવસ અગાઉ સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રકનપુર ખાતે મનુભાઇ જોઇતાભાઇ પટેલના શોપીંગ કોમ્પલેક્ષમાં અવસર જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રી દરમ્યાન બે અજાણ્યા ઇસમોએ દુકાનના લોખંડના દરવાજાને ગેસ કટરથી કાપી બાકોરૂ પાડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 4.46 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જે અંગે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાતા ઘરફોડ ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈજીપી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચને ખાસ સૂચના આપી હતી. જે અન્વયે એલસીબી પીઆઈ એચ પી ઝાલાનો સ્ટાફ ગુનાનો ભેદ ઉકેલવા માટે હ્યુમન સોર્સ તેમજ આસપાસ વિસ્તારના સીસીટીવી ફુટેજની તપાસમાં લાગી ગયો હતો.

આ દરમિયાન બાતમી મળી હતી કે,ઉપરોકત ગુનો સાંતેજ ખાતે ભાવેશભાઇ બાબુભાઇ પટેલની રૂમમાં ભાડેથી રહેતા અનુ સુરેન્દ્રરાય રાય તથા ગનેશ મુન્નાલાલ અહિરબારે તેના સાગરીતો સાથે મળીને આચર્યો છે. અને ચોરી કર્યા બાદ પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે ભાગી ગયા છે. આથી એલસીબીની ટીમના માણસોને તાત્કાલીક મધ્યપ્રદેશ ત્રીકમગઢ ખાતે મોકલી આપી ગનેશ મુન્નલાલ અહિરબાર (મુળ રહે. ધરમપુરા ગામ તા.જી. ત્રીકમગઢ થાના દેહાત, મધ્યપ્રદેશ) અને અનુ ઉર્ફે અનુરાય ઉર્ફે સુરેન્દ્રરાય ગબ્બરસિંહ રાય (બંને રહે. હાલ રહે. ભાવેશભાઇ બાબુભાઇ પટેલની રૂમમાં ભાડેથી સાંતેજ ગામ તા.કલોલ મૂળ રહે ત્રીકમગઢ, ઢોગા નુતન બિહાર કોલોની થાના સીટી કોતવાલી તા.જી. ત્રીકમગઢ મધ્યપ્રદેશ) ને ઉઠાવી ગાંધીનગર લઈ આવવામાં આવ્યા હતા.

બાદમાં વૈજ્ઞાનિક ઢબે પીઆઈ ઝાલાએ પૂછતાંછ કરતાં તેમણે આશરે વિસેક દિવસ અગાઉ સાંતેજ ખાતે કરીયાણાની દુકાન ધરાવતા અને પોતાના ગામની બાજુના સોનમ મહેશભાઇ ગુપ્તા તથા તેની સાથે કામ કરતા ઝાવેદ અખ્તર અંસારી તથા રામનાથ ઉર્ફે બબલુ સ/ઓ પદુમનાથ તિવારી બધા સોનમનાં ઘરે ભેગા થયા હતા. અને સોનમે તેઓને મોટર સાયકલ તથા મોબાઇલ આપવાની લાલચ આપી રકનપુર ગામે આવેલ સોનાચાંદીની દુકાનમાં ચોરી કરવા માટે ગેસ સીલીન્ડર તથા કટર આપ્યું હતું.

બાદમાં નક્કી થયેલા પ્લાન મુજબ સોનમ સહીત ઉપરોકત તમામ રાત્રે એકટીવા તથા મોટર સાયકલ ઉપર ગેસ સીલીન્ડર તથા કટર લઇ ઉપરોકત દુકાને આવેલ અને તે દરમ્યાન સોનમ તથા જાવેદ અંસારી પોલીસની ગાડી આવે નહી તેનું ધ્યાન રાખવા વોચમાં રહ્યા હતા. અને ગનેશ મુન્નલાલ અહિરબાર તથા અનુ ઉર્ફે અનુરાય ઉર્ફે સુરેન્દ્રરાય ગબ્બરસિંહ રાય ગેસ કટર વડે દુકાન તોડી દુકાનમાં ઘૂસેલો તેમજ દુકાનના બહારના ભાગે વોચમાં રામનાથ ઉર્ફે બબલુ સ/ઓ પદુમનાથ તિવારી ઊભો રહ્યો હતો.

ઉપરાંત દુકાનમાં ચોરી કર્યા પછી તમામ સોનમનાં ઘરે ભેગા જઈ ચોરી કરેલી મત્તા આપી હતી. જેના બદલામાં સોનમે ગનેશ મુન્નલાલ અહિરબાર તથા અનુ ઉર્ફે અનુરાય ઉર્ફે સુરેન્દ્રરાય ગબ્બરસિંહ રાયને 10 હજાર આપ્યા હતા. અને બંન્નેને સોનમ તથા જાવેદ મોટર સાયકલ તથા એકટીવા ઉપર મધ્યપ્રદેશ ખાતે જવા માટે અમદાવાદ ગીતા મંદીર ખાતે મુકી આવ્યા હતા.જેથી તાત્કાલીક એલસીબીની ટીમ દવારા સોનમ મહેશ ગુપ્તા (વાણીયા ) (રહે. હાલ પટેલવાસ સાંતેજ ગામ તા.કલોલ મૂળ વતન આઝાદપુરા મહોલ્લા, લલીતપુરા સીટી, તા.જી. લલીતપુરા ઉત્તરપ્રદેશ) અનેજાવેદ અખ્તર અમીન અંસારી (હાલ રહે.ઉપર મુજબ મુળ રહે. ભરૌલીગામ થાના નરહી જી. બલીયા ઉત્તરપ્રદેશ) સાંતેજ ખાતેના ભાડાના મકાનમાંથી પકડી લેવાયા હતા .

એલસીબીએ ઘરમાં તપાસ કરતા એક થેલામાંથી ચાંદીના દાગીના, ઇમીટેશન જવેલરી તથા મેટલની મુર્તીઓ કિ.રૂ. 3,21,107 તથા બે ગેસની બોટલ સાથે ફીટ કરેલ ગેસ કટર પાઇપ સાથેનું કિ.રૂ. 10 હજાર મળી આવ્યું હતું. ઉપરાંત ચોરી કરવામાં ઉપયોગમાં લીઘેલ સ્પલેન્ડર મોટર સાયકલ અને એકટીવા સહીત કુલ રૂ. 4 લાખ 11 હજાર 207 નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

આ દરમિયાન સહ આરોપી રામનાથ ઉર્ફે બબલુ સ/ઓ પદુમનાથ તિવારી (રહે. ભાવેશભાઇ બાબુભાઇ પટેલની રૂમમાં ભાડેથી સાંતેજ ગામ તા.કલોલ જિ. ગાંધીનગર મુળ રહે. ભરીયલ જી. ગોન્ડા ઉત્તરપ્રદેશ) ને પણ રૂમ ઉપરથી પકડી લેવાયો હતો.

આ અંગે એલસીબી પીઆઈ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સોનમ ઉપરોકત ગુનાને અંજામ આપવા માટે અગાઉ આ દુકાનમાં ખરીદી કરવાના બહાને ગઈ હતી. અને દુકાનમાં ચોરી કરવાનો પ્લાન નક્કી કરી દુકાનની તમામ માહીતી તેના સાગરીતોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...