ગાંધીનગર બસ મથકમા પાકીટ ચોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. એવરેજ ત્રણ દિવસે ડેપોમા બસમાં બેસવા જતા એક મુસાફર તસ્કરોનો શિકાર બને છે. ત્યારે શનિવારે બપોરના સમયે ઝાલોદની બસમાં બેસવા જતા મુસાફરનુ 40 હજાર ભરેલા પાકીટની ચોરી થઇ હતી. આ બાબતની જાણ કંટ્રોલરને કરવામા આવતા તેમણે મુસાફરને પોલીસ ચોકીનો રસ્તો બતાવ્યો હતો.
શનિવારે બપોરના સમયે ગાંધીનગર કામ અર્થે આવેલો મુસાફર ઝાલોદ જવા માટે બસની રાહ જોતો હતો, ત્યારે બસ આવતા તેમા બેસવા જતા તેનુ પાકીટ ચોરાઇ ગયુ હતુ. જેમા 40 હજાર રૂપિયા રોકડા હતા. ખિસ્સામાંથી વજન ઓછુ થયુ હોવાનુ માલુમ પડતા બસમાંથી ઉતરીને કંટ્રોલરને ફરિયાદ કરી હતી. ત્યારે કંટ્રોલરે સેક્ટર 7 પોલીસ ચોકીનો રસ્તો બતાવી દીધો હતો.
ગાંધીનગર એસટી મથક તસ્કરો માટેનુ ફેવરીટ સ્થળ બની ગયુ છે. નિર્દોષ ભોળા નાગરિકો ગાંધીનગર કામ અર્થે આવ્યા હોય અને તેમની સાથે આ પ્રકારના બનાવ બન્યા બાદ પાછળથી પોલીસ ચોકીના આંટાફેરાની ઝંઝટથી બચવા ફરિયાદ પણ કરતા નથી. જ્યારે શહેરની સંસ્થાઓ દ્વારા પોલીસ ચોકીની માંગ કરાયા પછી પણ ચોકી મુકવામા આવતી નથી, પરિણામે દિનદહાડે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે.ઉલ્લેખનિય છેકે, રાજ્યના નાગરિકોની સુરક્ષાની જવાબદારીના બણગા ફૂંકતું તંત્ર પાટનગરના ડેપોમા પોલીસ ચોકી બનાવી શકતુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.