છેતરપિંડી:મિલકતમાંથી છૂટા કર્યા પછી ભાગીદારે 40 લાખ ચાંઉ કર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના આગેવાનો સાથે બેઠકમાં સમાધાન કર્યા પછી પણ નાણાં ન આપતાં ભાગીદાર સામે ફરિયાદ

કુડાસણના વીમા એજન્ટે સેક્ટર 26માં રહેતા ભાગીદાર સામે રૂ. 40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 1996માં સેક્ટર 22 સ્થિત એક બિલ્ડિંગનો પહેલો માળ ભાગીદારીમાં ખરીદ્યો હતો. મૌખિક ભાગીદારી નક્કી થયા પછી ભાગીદારીમાં ફેરવી તોળવામાં આવતાં ભાગીદારી છુટી કરી હતી પરંતુ ભાગીદારે 40 લાખ પરત કર્યા નહોતા. સમાજના આગેવાનો સાથે બેઠક કર્યા પછી પણ રૂપિયા ન આપતાં ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પીડીપીયુ રોડ પાસે આવેલી શિવમ કુટીરમાં રહેતા વીમા એજન્ટ મયૂરભાઈ મુકેશભાઇ પટેલે સેક્ટર 26 ગ્રીનસીટીમાં એ-15માં રહેતા નટવરભાઇ જીવાભાઇ પટેલ સામે રૂ. 40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, વર્ષ 1996માં મારી માતાએ નટવર પટેલ પાસેથી સેક્ટર 22 સ્થિત પ્લોટ નંબર 538નો પહેલો માળ ખરીદ્યો હતો, જેમાં થોડી તકરાર થતાં મિલકતનો કબ્જો બેંકે લીધો હતો પરંતુ બેંક પાસેથી મિલકત લેવા મૌખિક ભાગીદારી કરી હતી, જેને લઇને નટવરભાઇ પટેલને મિલકત લેવા રૂપિયા આપ્યા હતા.

બાદમાં નટવરભાઈ ફરી જતાં ભાગીદારી ભંગ કરી હતી. આથી નટવરભાઈ પાસે ભાગના રૂપિયા પરત માગ્યા હતા જ્યારે રૂપિયા પરત લેવા તારીખ અપાઈ હતી. આથી મિત્રો અને સમાજના આગેવાનો સાથે અમદાવાદમાં મીટિંગ કરી હતી પરંતુ ઉકેલ આવ્યો ન આ‌તાં કુડાસણમા બીજી મીટિંગ કરી હતી.

તે સમયે સમજુતી કરાર કરાયા પછી 40 લાખ આપવાનું નક્કી થયું હતું જેનો હપતો જાન્યુઆરીમાં આપવા કહ્યું હતું પરંતુ દોઢ મહિના પછી પણ રૂપિયા આપ્યા નહોતા. આથી રૂપિયા માગતાં ગાળાગાળી કરી હતી અને થાય તે કરી લેવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...