તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેર સામે એક્શન પ્લાન:4 હજાર પીડિયાટ્રિક્સ બેડ, 30 હજાર ICU, 15 હજાર વેન્ટિલેટર તૈયાર રખાશે, મેડિકલ સ્ટાફમાં વધારો કરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ સિવિલ હોસ્પિટલોમાં બાળકો માટેના 300 બેડના વોર્ડની દીવાલો કાર્ટૂનથી સુશોભિત કરાઈ હતી. - Divya Bhaskar
અમદાવાદ સિવિલ હોસ્પિટલોમાં બાળકો માટેના 300 બેડના વોર્ડની દીવાલો કાર્ટૂનથી સુશોભિત કરાઈ હતી.
 • બીજી લહેરમાં નિષ્ફળ રહેલી ગુજરાત સરકારે હવે રોજના 25 હજાર કેસને ધ્યાનમાં રાખી તૈયારીઓ શરૂ કરી
 • સિવિલમાં બાળકો માટે 300 બેડ ઊભા કરાયા

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને ગુજરાત સરકારે વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીજી લહેરમાં દરમિયાન બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની બાબતોને લઈને લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી લહેરની નિષ્ફળતામાંથી બોધપાઠ લેતા રાજ્ય સરકારે હવે ‘હારશે કોરોના, જીતશે ગુજરાત’ના સૂત્ર સાથે વિસ્તૃત રણનીતિ જાહેર કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વિવિધ તૈયારીઓની ઘોષણા કરી હતી. સરકારે ત્રીજી લહેરનો સામનો કરવા માટે મે મહિનાથી જ એક્શન પ્લાન તૈયાર કરી દેનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હોવાનો દાવો કર્યો હતો.

સરકારે ટાસ્ક ફોર્સના નિષ્ણાંતો, જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા સરકારી હોસ્પિટલના ડૉક્ટરો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ એક્શન પ્લાનને આખરી ઓપ આપ્યો હતો. એક્શન પ્લાનના ભાગરૂપ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર અને અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉભી કરાયેલી હોસ્પિટલોની તર્જ પર અન્ય વિસ્તારોમાં ટેમ્પરરી ફિલ્ડ હોસ્પિટલો ઉભી કરાશે. તથા આગામી ત્રણ મહિનામાં રાજ્યની 51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં આરટીપીસીઆર (રીવર્સ ટ્રાન્સસ્ક્રીપ્શન-પોલીમર્સ ચેઇન રીએક્શન) ટેસ્ટીંગની સુવિધા ઉભી કરાશે તથા રાજ્યની ટેસ્ટિંગ કેપીસીટ રોજના 1.25 લાખ ટેસ્ટની થશે. આ સાથે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓની ખાલી જગ્યાઓ પણ ઝડપથી ભરવાનો નિર્ણય કર્યો છે.

દરેક જિલ્લા સ્તરેથી સ્થિતિનું મોનીટરીંગ
સરકારના જણાવ્યા પ્રમાણે દરેક જિલ્લામાં કોરોનાની સ્થિતિ, સારવાર પર સીધા નિયંત્રણ માટે દરેક જિલ્લામાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની સ્થાપના કરાશે. દરેક સેન્ટર પર મુખ્યમંત્રીકક્ષાએથી સૂચનાઓ અપાશે.

ત્રીજી લહેર સામે આ છે સરકારનો એક્શન પ્લાન
ટેસ્ટ-ટ્રકિંગઃ

 • RTPCR લેબની સંખ્યા 104થી વધારીને 155 તથા RTPCR ટેસ્ટ મશીનોની સંખ્યા 234થી વધારીને 285 થશે.
 • સિટી સ્કેન મશીન 18થી વધારી 44 કરાશે.
 • ટેસ્ટની ક્ષમતા 75 હજારથી વધારીને દૈનિક 1.25 લાખ ટેસ્ટની કરાશે.

હોસ્પિટલઃ

 • કોવિડ ફેસિલિટી 1800થી વધારીને 2400 કરાશે. બાળકો માટેના બેડ 2000થી વધારીને 4000 થશે. બાળકો માટેના વેન્ટિલેટર 500થી વધારીને 1 હજાર થશે.
 • ઓક્સિજન બેડ 61000થી વધારી 1.10 લાખ થશે.
 • ICU બેડની સંખ્યા 15 હજારથી વધારીને 30 હજાર થશે. રાજ્યભરમાં 15 હજારથી વધારે કોવિડ આઇસોલેશન સેન્ટરો ચાલુ રખાશે.
 • વેન્ટિલેટરની સંખ્યા 7 હજારથી વધારીને 15 હજાર કરાશે.

ઓક્સિજનઃ

 • ઓક્સિજનની ક્ષમતા 150 મેટ્રીક ટનથી 1800 મેટ્રીક ટન કરાશે.
 • પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ની સંખ્યા 24થી 400 તથા પીએસએ પ્લાન્ટની ક્ષમતા 20 મેટ્રીક ટનથી 300 મેટ્રીક ટન કરાશે.
 • ઓક્સિજન કન્સેન્ટ્રેટરની સંખ્યા 700થી વધારીને 10,000 કરાશે.

દવાઃ

 • રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિલિઝુમેબ, ફેવિપેરાવીર સહિતની દવાઓનો પૂરતો જથ્થો અગાઉથી મેળવીને સ્ટોક કરવામાં આવશે.

મેડિકલ સ્ટાફઃ

 • મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવામાં આ‌વશે
 • સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની સંખ્યા 2350થી વધારીને 4000
 • MBBSની સંખ્યા 5200થી વધારી10,000
 • નર્સની સંખ્યા 12,000થી વધારી 22,000
 • ચોથા વર્ગના કર્મચારીઓની સંખ્યા 8 હજારથી વધારીને 15 હજાર
 • અટેન્ડન્ટની સંખ્યા 4 હજારથી વધારીને 10,000 થશે