સાદરા ગામમા રહેતા પરિવાર દ્વારા તેમના ભાણીયાના જન્મ દિવસને મનાવવામા આવ્યો હતો. જેને લઇને સગા સબંધીઓને પણ બોલાવ્યા હતા. ત્યારે સગાસબંધીમા અનવરપુરાથી પણ મહેમાન આવ્યા હતા. ત્યારે ગામમા રહેતા 4 લોકોએ આવીને કહ્યુ કે, તે મારા ભત્રીજાની દિકરી સાથે પ્રેમલગ્ન કરનારને કેમ બોલાવ્યા છે ? કહીને મારામારી કરી હતી અને પ્રસંગ બગાડ્યો હતો. જેને લઇને ચિલોડા પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
અમરતભાઇ રામાભાઇ પટેલ (રહે, સાદરા)ના ભાણિયાનો ગુરૂવારે જન્મ દિવસ હતો. જેને લઇને તેમને તેમના ઘરે ઉજવણીનુ આયોજન કર્યુ હતુ. જેમા નજીકના સગા સબંધીઓને પણ બોલાવાયા હતા. ત્યારે પ્રાંતિજના અનવરપુરા ગામમા રહેતા તેમની સાળી ભીખીબેન પટેલને પણ બોલાવ્યા હતા. અનવરપુરાથી મહેમાન આવ્યા હોવાની માહિતી મળતા સાદરા રહેતા ગીરીશ ગોપાલ પટેલ, કિરીટ મનુ પટેલ, સંજય ગીરીશ પટેલ અને લીલાબેન મનુભાઇ પટેલ ઘરે આવી ગયા હતા.
ઘરે આવીને સીધા જ કહેવા લાગ્યા હતા કે, મારા ભત્રીજા જગદીશ પટેલની દિકરીને અનવરપુરાવાળા પ્રેમલગ્ન કરી લઇ ગયા છે, તેમ છતા તે કેમ તારા ઘરે આવવા દીધા છે. તેમ કહેતા મારા ભાણિયાનો જન્મ દિવસ છે અને મારા સાળીને બોલાવ્યા છે, તેમ કહેતાની સાથે જ ચારેય લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને પ્રસંગ હોવા છતા ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડી તો વધારે ઉશ્કેરાઇને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી બુમરાણ કરતા ઘરમાથી તેમના પત્નિ બચાવવા દોડી આવ્યા હતા અને વચ્ચે પડતા તેમની પત્નિને બરડામાં લાકડી મારી હતી. જેને લઇને ચારેય સામે ચિલોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.